(એજન્સી) તા.ર૬
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર અને તેની હત્યાના મુખ્ય આરોપીઓના વકીલે મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને જેહાદી મુખ્યમંત્રી કહ્યા હતા. એક સમાચારપત્ર સાથેની વાતચીતમાં અંકુર શર્માએ કહ્યું હતું કે, મહેબૂબા મુફ્તી એક જેહાદી મુખ્યમંત્રી છે. તે કતલખાના અને ગૌ-તસ્કરીને કાયદાકીય રક્ષણ આપી રહી છે. જમ્મુ હિંદુ બહુમતી ધરાવતો વિસ્તાર છે ત્યાં એક ધર્મના લોકોને જમીન આપીને વસાવવામાં આવે છે કે જેથી જમ્મુમાં જનસાંખ્યિક પરિવર્તન થઈ શકે. શર્માએ કહ્યું કે, મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી ઈસ્લામ-ફાસીવાદ એજન્ડા ચલાવી રહી છે.
અંકુર શર્મા કઠુઆ સામૂહિક બળાત્કાર અને હત્યા કેસના મુખ્ય આરોપી સંજીરામ, તેનો પુત્ર વિશાલ જન્ગોત્રા અને દીપક ખજુરિયાના વકીલ છે. તેમણે કહ્યું હતું કે, તે હિંદુ મહાસભા સહિત અન્ય હિંદુ સંગઠનોના સંપર્કમાં છે. શર્મા હિંદુ એકતા મંચ સાથે સંકળાયેલા છે અને તેમનું કહેવું છે કે, આ કેસમાં હિંદુ એકતા મંચ દ્વારા થઈ રહેલી સીબીઆઈ તપાસની માગણીનું તે સમર્થન કરે છે.