(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૧૮
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના તરશીંગડા ગામે બનેલા એક બનાવમાં ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ગુનામાં ફરાર આરોપીને તેના ઘરે ઝડપી લેવાની કાર્યવાહી પોલીસે કરી રહી હતી ત્યારે લાકડી, લાકડાના ધોકા, તલવાર જેવા હથિયારોથી હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીનો બનાવ બનેલ છે. આરોપી પણ પોલીસના જાપ્તામાંથી ભાગી ગયેલ છે. આ બનાવ અંગે પોલીસની ફરજમાં રૂકાવટ કરવા અંગે ૧પથી વધુ લોકો સામે ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવા સહિતની ફરિયાદ નોંધવામાં આવતા સનસનાટી મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ચોરવાડના પો.કો. જીણાભાઈ દેવાભાઈએ તરશીંગડા ગામના નદીમ ભીખુભાઈ બલોચ સાથે અજાણ્યા ૧પ પુરૂષો તથા ચાર મહિલાઓ વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, ગઈકાલે ર૦,૦૦૦ દરમિયાન ફરિયાદી તથા સાહેદો ચોરવાડ પોલીસ સ્ટેશનના ગુનાના આરોપી નાસતા ફરતા નદીમ ભીખુભાઈ બ્લોચ (રહે. તરશીંગડા વાળા)ની ધરપકડ કરવા માટે તરશીંગડા ગામે ગયા હતા અને જ્યાં આરોપીના ઘરેથી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરતાં આરોપી નદીમ ભીખુભાઈ બલોચ સાથે અજાણ્યા ૧પ પુરૂષો તથા ચાર મહિલાઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી લાકડી, લાકડાના ધોકા તથા તલવાર જેવા હથિયારો ધારણ કરી ફરિયાદી તથા સાહેદો ઉપર હુમલો કરી માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ કર્યાની ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરેલ છે. આ બનાવ અંગે માળિયા હાટીના પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન. કે.વિંઝુડા વધુ તપાસ ચલાવી રહેલ છે.