જૂનાગઢ,તા.૯
તાજેતરમાં વંથલીમાં ઓઝત બચાવો આંદોલન દરમ્યાન ખેડૂત અગ્રણી નયનભાઈનું અપહરણ કરી અને માર મારી શાપુર નજીક ફેંકી દેવામાં આવ્યા હતાં.
આ ઘટનાએ વંથલીમાં ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું હતું અને વંથલી તેમજ માણાવદર બંધનું એલાન આપવામાં આવેલ હતું. આ ઘટના સંબંધે આઈજી રાજકુમાર પાંડ્યન અને એસપી નિલેશ જાજડિયાની સૂચનાથી જૂનાગઢ એલસીબી પીઆઈ આર.કે.ગોહીલ, રોહીત ધાધલ અને સ્ટાફે ધણફુલિયાના સરપંચ ભુરાભાઈ કાનાભાઈ કરમટાની અટક કરી હતી. સરપંચની આકરી પુછપરછ કરતા આ ઘટનામાં ભાવિન ખોડાભાઈ બઢ (સરગવાડા), લાખા સાંગા હુણ (કોયલી), કરશન ગલાભાઈ મોરી (જૂનાગઢ)નાં નામ ખુલ્યાં હતા. સાઈબર સેલ અને જુદી જુદી ટીમ બનાવી ત્રણ શખ્સોને ઝડપી લઈ વંથલી પોલીસ સ્ટેશનને સોંપી દીધા હતા. આ સંદર્ભે શુક્રવારે પોલીસે ત્રણેય શખ્સોનું ગામમાં સરઘસ કાઢેલ હતું. આ ઘટનામાં અગ્રણીનું અપહરણ અને મારમારી ફેંકી દેવાનું કાવતરૂં રચનારની પણ શોધખોળ ચાલી રહી છે. પોલીસે તેનાં માટે જુદી જુદી ટીમની રચના કરી છે.