(એજન્સી) મુંબઈ, તા.૨૦
દરેક સંસ્થાઓની સ્વતંત્રતા અને સ્વાયતત્તામાં કેન્દ્ર સરકારના વધતા હસ્તક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરતા સામાજિક કાર્યકર અરૂણા રોયે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં મુખ્ય માહિતી કમિશનર અને રાજ્યોના માહિતી કમિશનરોનો ઘટાડાયેલો દરજ્જો આ વાતનું ઉદાહરણ છે. આ તમામ કમિશનો પર નિયંત્રણ જમાવવાનો પ્રયાસ છે. આ સરકાર તમામ સંસ્થાઓની સ્વાયતત્તા અને સ્વતંત્રતા મામલે દરમિયાનગીરી કરે છે. તેઓ જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી પહોંચી સંસ્થાઓની સ્વતંત્રતા ઘટાડવા પ્રયાસ કરે છે એમ અરૂણા રોયે જણાવ્યું હતું. મુંબઈ ખાતે પોતાના પુસ્તક ‘ધ આરટીઆઈ સ્ટોરી : પાવર ટુ ધ પીપલ’ના પ્રચાર માટે આવેલા રોયે એક અગ્રણી અંગ્રેજી અખબારને મુલાકાત આપતા ઉક્ત વિચારો રજૂ કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માહિતી પંચના દરજ્જાને ઘટાડવાના બદલે તેને મજબૂત સત્તાઓ આપવી જોઈએ અને તેને સરકારના નિયંત્રણ મુક્ત બનાવવું જોઈએ. પૂર્વ આઈએએસ અધિકારી રોયે દેશમાં કટોકટી અગાઉ નોકરી છોડી હતી. તેમણે અમલદારશાહીમાં ઘુસણખોરી કરવાના કેન્દ્ર સરકારના પ્રયાસોની પણ આકરી ટીકા કરી હતી. જો તમે સ્વતંત્રતા ઘટાડશો તો પ્રમાણિકતા પણ ઘટશે. આપણે મજબૂત રીતે આ વ્યવસ્થાનો વિરોધ કરવો જોઈએ.