(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે, પાકિસ્તાનમાં જૈશે મોહંમદના કેમ્પ પર એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા મુદ્દે સૈન્ય દળો સામે અમિત શાહનું વિરોધાભાસી નિવેદન આવ્યું છે. રવિવારે અમિત શાહે કહ્યું હતું કે, એર સ્ટ્રાઇકમાં ૨૫૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે સૈન્ય દળોએ કોઇપણ સત્તાવાર આંકડો આપ્યો નથી. કેજરીવાલે હિન્દીમાં ટિ્વટ કર્યું કે, સૈન્ય દળો પણ આવું કહે છે. અમિત શાહ ૨૫૦ આતંકવાદી માર્યા ગયા હોવાનો દાવો કરી એવું કહે છે કે, સૈન્ય દળો જુઠ્ઠું બોલી રહ્યા છે. કોઇપણ રીતે દેશ આ બાબતને ચલાવી લેશે નહીં. કેન્દ્રીય મંત્રી એસએસ અહલુવાલિયાના નિવેદનને ટાંકતા સમાચારના અહેવાલનો હવાલો આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, સ્ટ્રાઇકનો હેતુ ફક્ત સંદેશ આપવાનો હતો મારવાનો નહીં. એક અન્ય ટિ્વટમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, આખો દેશ સૈન્ય દળો સાથે ઉભો છે જ્યારે ભાજપ તેમની વિરૂદ્ધ છે. સૈન્ય દળો જુઠ્ઠું ના બોલી શકે પણ ભાજપ જુઠ્ઠું બોલે છે. અમિત શાહે બાલોકોટમાં ભારતની એર સ્ટ્રાઇકમાં ૨૫૦થી વધુ આતંકવાદી માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો જ્યારે તરત જ પત્રકાર પરિષદ કરીને સવારે આઇએએફના વડા બીએસ ધનોઆએ કહ્યું હતું કે, તેમની પાસે કોઇ આંકડો નથી આ આંકડો સરકાર આપશે.