(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
પુલવામા હુમલા બાદ દેશમાં વધુ આતંકવાદી હુમલાની યોજના બનાવી રહેલા જૈશે મોહંમદના આતંકવાદી કેમ્પોને નિશાન બનાવી મંગળવારે ભારતીય એરફોર્સે વહેલી સવારે લાઇન ઓફ કંટ્રોલને પાર કરીને જૈશે મોહંમદના બાલાકોટ, મુઝફ્ફરાબાદ અને ચકોટીમાં આતંકવાદી ઠેકાણાને નષ્ટ કરી દીધા છે. આ હુમલામાં આઇસી-૮૧૪ વિમાન હાઇજેક કરનારા યુસુફ અઝહર સહિત સેંકડો આતંકવાદીનો સફાયો થયો છે. બાલાકોટના ઠેકાણાનું સંચાલન જૈશે મોહંમદનો પ્રમુખ મસૂદ અઝહરનો સાળો યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદ ઘોરી કરતો હતો. એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ભારતીય યુદ્ધ વિમાનો ૯૦ સેકન્ડમાં દુશ્મનના ઠેકાણાને નષ્ટ કરીને પરત ફરી ગયા હતા અને કોઇને કોઇ પ્રકારનું નુકસાન નથી થયું. આ કાર્યવાહી જૈશે મોહંમદ દ્વારા પુલવામામાં સીઆરપીએફના કાફલા પર કરાયેલા હુમલાના બે અઠવાડિયાની અંદર કરવામાં આવી છે. પુલવામાના હુમલામાં આશરે ૪૦ જવાન શહીદ થયા હતા.
સરકારી સૂત્રો અનુસાર એરફોર્સ દ્વારા કરાયેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી ૮૦ કિલોમીટર દૂર બાલાકોટમાં કરવામાં આવેલા હુમલામાં આશરે ૩પ૦ આતંકવાદીઓ મોતને ભેટ્યા છે. હુમલો કરવા માટે એરફોર્સના ૧૨ મિરાજ ૨૦૦૦ ફાઇટર વિમાનોએ સવારે ૩.૩૦ વાગે નિયંત્રણ રેખા પાર કરી હતી અને આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવતા ૧૦૦૦ કિલોગ્રામના લેઝર ગાઇડેડ બોમ્બ ફેંક્યા હતા. પહાડો પર ગાઢ જંગલો વચ્ચે આવેલા બાલાકોટના ઠેકાણાઓ પર છ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ સમગ્ર ઓપરેશન પુરૂં પાડવા માટે એક મિનિટ અને ૩૦ સેકન્ડનો સમય લાગ્યો હતો. બાલાકોટમાં આવેલો જૈશે મોહંમદનો આતંકવાદી કેમ્પ પાકિસ્તાનમાં સૌથી મોટો ટ્રેનિંગ કેમ્પ હતો. તેનું સંચાલન જૈશના પ્રમુખ મસૂદ અઝહરનો સાળો યુસુફ અઝહર કરતો હતો. સરકારે કહ્યું છે કે, આ ઠેકાણાઓની ઓળખ ભારતીય ગુપ્તચર વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને આ સ્થાન સામાન્ય નાગરિકોના રહેણાંક વિસ્તારથી ઘણી દૂર હતું. સરકારે એવું પણ જણાવ્યું કે, વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, જૈશે મોહંમદ આ આતંકવાદી કેમ્પોમાં ફિદાયીન આતંકવાદીઓને તાલીમ આપી રહ્યું હતું તથા તેની તૈયારીઓ અન્ય ઘણા આત્મઘાતી હુમલા કરવાની હતી. આ સમગ્ર મામલે વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું છે કે, આગામી ખતરાને જોતા આ સ્ટ્રાઇક ઘણી જરૂરી હતી. આ હુમલામાં જૈશે મોહંમદના આતંકવાદી, ટ્રેનરો, સિનિયર કમાન્ડર અને આતંકવાદી હુમલાના તાલીમાર્થી માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૭૧ બાદ પહેલીવાર એવું બન્યુ છે જ્યારે ભારતીય એરફોર્સે નિયંત્રણ રેખા પાર કરી છે.
જૈશના કેમ્પ પર સ્ટ્રાઇક અંગે બેઠક બાદ PM મોદીએ કહ્યું, ‘વ્યસ્ત હોવાથી’ મોડો પડ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે કેટલાક કામમાં વ્યસ્ત હોવાને કારણે રાષ્ટ્રપતિ ભવન યોજાયેલી બેઠકમાં મોડો પહોંચવા બદલ લોકોની માફી માગી હતી જેમાં તેમણે પરોક્ષ રીતે એલઓસી પર થયેલી એર સ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિ ભવનની બેઠકમાં પહોંચતા પહેલા તેમણે સવારે ૧૦ વાગે પોતાના સત્તાવાર નિવાસે સલામતી અંગે કેબિનેટ કમિટિની બેઠકની અધ્યક્ષતા કરી હતી રામનાથ કોવિંદના ઘરે તેમને ૨૦૧૫-૨૦૧૮ માટે ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવાના હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતેનો કાર્યક્રમ સવારે ૧૧ વાગે શરૂ થવાનો હતો પણ તે થોડો મોડો શરૂ થયો હતો. લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, વિલંબથી પહોંચવા માટે હું માફી માગું છું. રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં હું મોડો પહોંચ્યો હોવાથી કાર્યક્રમમાં વિલંબ થયો. હું કેટલાક કામમાં વ્યસ્ત હતો તેથી હું મોડો થયો.
ભારતે ‘આક્રમણ’ કર્યું છે, ઇસ્લામાબાદને ‘પ્રતિક્રિયાનો અધિકાર’ : પાક. વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી
ભારત દ્વારા પીઓકેમાં કરાયેલી કાર્યવાહી અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે, એલઓસીનો ભંગ કરીને ભારતે આક્રમણ કર્યું છે અને ઇસ્લામાબાદને પ્રતિક્રિયા આપવાનો અધિકાર છે. ઇમરજન્સી બેઠક બાદ કુરશીએ કહ્યું કે, ફરી એકવાર ભારત સરકારે પોતાના ઉદેશ્ય પૂરા કરવા માટે પાયાવિહોણા ઘડી કાઢેલા દાવા કર્યા છે. આ તેની ઘરેલુ જરૂરીયાતો પુરી કરવા માટે કરવામાં આવ્યું છે કેમ કે, માહોલ ચૂંટણીનો છે અને તે માટે ક્ષેત્રીય સુરક્ષા તથા સ્થિરતાને ગંભીર જોખમમાં મુકવામાં આવી છે. કુરેશીએ કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સેનાની તમામ પાંખો અને સામાન્ય લોકોને કોઇપણ સ્થિતિ માટે તૈયાર રહેવા માટે જણાવી દીધું છે. તેમણે કહ્યું કે, આ પાકિસ્તાન વિરૂદ્ધ આક્રમણ છે અને પાકિસ્તાન તેનો જવાબ આપશે. તેમને પુછવામાં આવ્યું કે, શું આપણે એવી સ્થિતિમાં છીએ કે ભારતને જવાબ આપી શકીએ ? ત્યારે તેમણે કહ્યું કે, આવા સમયે પાકિસ્તાની વાયુ સેનાની ક્ષમતા પર સવાલ ન કરવો જોઇએ. ભારતને ક્યાં અને કેવો જવાબ આપવો છે જે પાકિસ્તાનના સૈન્ય તથા રાજકીય નેતૃત્વની પરીક્ષા છે. સ્થિતિને બગાડવાને અમારો હેતુ ન હતો અને અત્યારે પણ નથી પણ આક્રમણનો જવાબ આપવાનો આપણો અધિકાર છે. અમારો દેશ શાંતિપૂર્ણ દેશ છે પરંતુ અમે પાકિસ્તાની સરહદોની સુરક્ષાના મહત્વને પણ સમજીએ છીએ.
એક જ સમયે ઘણા વિમાનોએ ઉડાન ભરીને બાલાકોટમાં
ત્રાટકવા IAF પાક.ને કેવી રીતે મૂંઝવ્યું ?
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભયંકર ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાન હાઇ એલર્ટ હતું ત્યારે પાકિસ્તાનને મુંઝવવા માટે ઘણું બધું કરવું પડ્યું. સરહદ નજીક ભારતીય વાયુ દળ (આઇએએફ)ના લગભગ ૧૪૦ વિમાનોને લાઇનમાં લગાવીને વિશાળ ગોઠવણી કરવામાં આવી હતી. બાલાકોટ ખાતે હુમલા કરવાનું આખરે નક્કી કરવામાં આવ્યું ત્યારે સેન્ટ્રલ અને વેસ્ટર્ન કમાન્ડ્સ ખાતેના એરબેઝિસ પરથી એક સાથે ઘણા ફાઇટર જેટે ઉડાન ભરી હતી. પાકિસ્તાનને મુંઝવવા માટે આ બધું કરવામાં આવ્યું હતું. એક સાથે ઘણા ફાઇટર જેટે ઉડાન ભરી હોવાથી હુમલો ક્યાં થશે, તે સ્પષ્ટ ન હતું. બાલાકોટને ભારતીય વાયુ દળ દ્વારા લક્ષ્યાંક બનાવવામાં આવશે, એવી પાકિસ્તાનને અપેક્ષા ન હતી. પાકિસ્તાનને તેના કબજાવાલા કાશ્મીર (પીઓકે)માં હુમલો થવાની અપેક્ષા હતી. જૈશના ત્રાસવાદીઓને બાલાકોટના અડ્ડાઓ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની નક્કર માહિતી ગુપ્તચરો દ્વારા એકત્રિત કરવામાં આવી હતી. એર સ્ટ્રાઇક દરમિયાન વિમાન તોડી પાડવાની પણ ઘણી શક્યતાઓ હતી અને જોખમ હતું અને તેમાં કોઇ શંકા ન હતી છતાં પણ વાયુ દળને વિશ્વાસ હતો કે તેને જે કહેવામાં આવ્યું છે, તે સફળ રીતે પાર પાડશે.