Ahmedabad

અસલામત ગુજરાત : પાંચ વર્ષમાં સતત ઉપર ચઢતો ગુનાખોરીનો ગ્રાફ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૯
રાજ્યમાં દિનદહાડે લૂંટ, ખૂન, ધાડ, બળાત્કાર, એટીએમ ઉપાડી જવા, ફાયનાન્સ કંપની કે આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટી લેવા, જવેલર્સ ઉપર ફાયરીંગ કરીને લૂંટ કરવી, અપહરણ, બાળકો અને મહિલાઓ ગુમ થાય, અછોડા તોડવા, મૂર્તિઓની ચોરી જેવા ગુનાઓનો ગ્રાફ ઉંચકાઈ રહ્યો છે. તેમાંય છેલ્લા સાત દિવસમાં આવા ગુનાખોરીની સંખ્યામાં ઉછાળો આવતા રાજયની કથળી ગયેલી પરિસ્થતિ અને માઝા મુકતી ગુનાખોરીને તથા ગૃહ વિભાગની નિષ્ફળતાને ઉજાગર કરતી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
ગૃહ વિભાગની નિષ્ફળતા પર આકરા પ્રહાર કરતાગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ૧૭૮ હત્યા એટલે કે દર બે મહિને ૧૫ હત્યા, ૯૩ ધાડ, ૬૭૪ લુંટ અને ૮૩૩ અપહરણની ઘટના બની છે એટલે કે દર મહિને ૪ ધાડ, ૨૮ લુટ, ૪૬ ઘરફોડ, ૩૫ અપહરણની ઘટના બની છે જે પોલીસ તંત્રની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ ઉભા કરે છે. સલામત અને શાંત રાજ્યની વાહવાહી લુંટતા ભાજપના રાજમાં પાંચ વર્ષમાં ૪૩૬૫ બળાત્કારની ઘટના નોંધાઈ છે જેમાં ૨૪૦૮ સગીર વયની દિકરીઓ બળાત્કારની ભોગ બની. ગુજરાતમાં પાંચ વર્ષમાં ૯૬ ઘટના સામુહિક બળાત્કારની અને પાંચ વર્ષમાં ખુનના ૧૪૦૯ ગુન્હાઓ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ૧૭૮ હત્યાઓ થઈ છે. રાજ્યમાં આર્થિક ગુન્હાખોરી આસમાને, છેલ્લાં ૧૫ વર્ષમાં પોંજી સ્કીમમાં ગરીબ-સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોએ ૧ લાખ કરોડ ગુમાવ્યા છે. ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર જનતાની સુરક્ષા અંગે મોટી મોટી જાહેરાતો કરે છે અને બીજી બાજુ ભાજપ શાસનમાં રોજ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય, દારૂ જુગારના અડ્ડાઓ ધમધમે, ગેરકાયદેસર નશાનો જથ્થો ઠલવાતો હોય અને અસામાજીક તત્વો, વ્યાજખોરો અને બુટલેગરો, ભૂમાફીયાઓ, ખનીજ ચોરી માફીયાઓ જે રીતે બેફામ બન્યા છે ત્યારે કેવી રીતે ગુજરાતના નાગરીકને સુરક્ષા મળશે ? જેનો જવાબ ગાંધી – સરદારના ગુજરાતમાં નાગરીકો જાણવા માંગે છે.

તા. ૩૧-૩-૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં બળાત્કારના બનાવો ૪૩૬૫ નોંધાયા. આ બનાવોમાં ૨૪૦૮ સગીર વયની મહિલાઓ બળાત્કારનો ભોગ બની હતી. તા. ૩૧-૭-૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં સામુહિક બળાત્કારના બનાવોની વિગત
વર્ષ બનાવોની સંખ્યા વર્ષ બનાવોની સંખ્યા
૨૦૧૩-૧૪ ૭૫૩ ૨૦૧૩-૧૪ ૨૩
૨૦૧૪-૧૫ ૮૫૩ ૨૦૧૪-૧૫ ૨૧
૨૦૧૫-૧૬ ૯૧૧ ૨૦૧૫-૧૬ ૧૧
૨૦૧૬-૧૭ ૯૨૨ ૨૦૧૬-૧૭ ૨૦
૨૦૧૭-૧૮ ૯૨૬ ૨૦૧૭-૧૮ ૨૧

અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં થયેલ ગુન્હાઓની વિગત
અપરાધનો કુલ
પ્રકાર બનાવોની સંખ્યા
હત્યા ૧૭૮
ધાડ ૯૩
લુંટ ૬૭૪
ઘરફોડ ૧૦૮૧
અપહરણ ૮૩૩
મહા વ્યથા ૩૭૨