અસંતોષ અને ભારે વિલંબ બાદ આખરે મંત્રીઓને ખાતા ફાળવાયા !

(સંવાદદાતા દ્વાર) ગાંધીનગર,તા.ર૮
રાજ્યની નવી સરકારની મંગળવારે રચના થયા બાદથી મંત્રીઓને ખાતાઓની વહેંચણીની રાહ જોવા સાથે વિવિધ અટકળો પણ થતી હતી. ત્યારે આ અટકળોનો આજે લાંબી-મેરેથોન બેઠક બાદ મંત્રીઓને ખાતાઓની વહેંચણી સાથે અંત આવ્યો હતો. જો કે અ અટકળોના અંત સાથે નવી ભાજપ સરકારમાં પ્રથમ ગ્રાસે મક્ષિકારૂપે આંતરિક અસંતોષ-ડખાંઓની શરૂઆત થઈ જવા પામી છે. જેમાં સરકારમાં નંબર-ટુ એવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાતાઓની વહેંચણી મુદ્દે અત્યંત નારાજ થયા હોવાની વિગતો બહાર આવી છે.
આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મંત્રીમંડળની બેઠક અગાઉ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે મંત્રીઓને ખાતાઓની વહેંચણી મુદ્દે મેરેથોન બેઠક યોજાઈ હતી. જ્યારે બીજી તરફ સાંજે પઃ૦૦ વાગે કેબિનેટની બેઠક (મંત્રી મંડળની બેઠક) બોલાવવામાં આવી હતી. હવે આ સી.એમ બંગલે મળેલી બેઠક પૂર્ણ થાય અને મુખ્યમંત્રી તથા ડે.સી.એમ., ત્યાં પહોંચે તો કેબિનેટ બેઠક શરૂ થાય તેમ હોઈ, ચાર કલાકથી વધુ સમય મંત્રીઓએ રાહ જોયા બાદ આખરે મુખ્યમંત્રી-ડે.સી.એમ. બેઠક પતાવી ત્યાં પહોંચતા કેબિનેટ મીટિંગ શરૂ થઈ શકી હતી. નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. તે ઉપરાંત અન્ય અગત્યના કામો અંગે ચર્ચા કરી ઠરાવો કરાયા હતા. જેમાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું ચાલુ રાખવા મુદ્દે તથા સેલ્ફ ફાઈનાન્સ શાળાઓની ફિ-નિયમન અંગે હાઈકોર્ટે ગત રોજ આપેલ ચુકાદાને આવકારી હવે તેનો તાત્કાલિક અમલ શરૂ કરવા મુદ્દે નિર્ણયો લેવાયા હતા.
મુખ્યમંત્રી રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ૧૦ કેબિનેટ મંત્રીએ તેમજ ૧૦ રાજ્ય કક્ષાના મંત્રીઓને આજે મોડેથી ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં મહત્ત્વના ખાતાઓ સિનિયર મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, આર.સી. ફળદુ, સૌરભ પટેલને સોંપવામાં આવ્યા હતા. તે સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસેથી અગાઉના ખાતાઓ પૈકી કેટલાક મહત્ત્વના ખાતાઓ લઈ આ સિનિયર મંત્રીઓને સોંપવામાં આવ્યા છે. જેમાં નાણા અને ઊર્જા ખાતું સૌરભ પટેલને જ્યારે તેમની પાસેનું શહેરી-વિકાસ ખાતું મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખ્યું છે. આમ સરકારમાં નંબર ટુ એવા નીતિન પટેલ પાસેથી ખાતાઓ આંચકી લઈ અન્ય મંત્રીઓને અપાતા તેઓ અત્યંત નારાજ થયા હોવાનું સ્પષ્ટ જોઈ શકાતું હતું.
મંત્રીમંડળની બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી રૂપાણી, ડે. સી.એમ. નીતિન પટેલ તથા ભાજપ અધ્યક્ષ જીતુ વઘાણી હાજર રહ્યા હતા. પરંતુ તેમાં નીતિન પટેલે કંઈ પણ કહ્યું ન હતું અને સવાલો પૂછવા પર પણ તેમણે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્યારે પત્રકારોને બધી વિગતો મુખ્યમંત્રી અને જીતુ વાઘાણીએ આપી હતી. ખાતાઓની વહેંચણીમાં મડાગાંઠ કે ખેંચતાણ થઈ હોવા અંગેના પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આવું કંઈ જ થયું નથી અમો બધાએ સાથે મળીને મોવડી મંડળ સાથે પરામર્શ કરી ટીમ-સ્પીરીટથી ફાઈનલ કર્યું છે. બધાને ખબર છે તેમ મોવડી મંડળ આજે દિલ્હીમાં સાંસદમાં તલાક અંગેના બિલને લઈ વ્યસ્ત હતું. તેના કારણે વિલંબ થયો હતો. મોવડી મંડળ સંસદમાંથી ફ્રી થતાં તેમની સાથે પરામર્શ કરી ખાતાઓની ફાળવણી ફાઈનલ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીના મુદ્દે તથા નારાજગી અંગે પ્રશ્નો કરતાં તેમણે કહ્યું કે નીતિનભાઈ સરકારમાં નંબર ટુ જ છે, તેમના બહોળા વહીવટી અનુભવનો ઉપયોગ આગામી વર્ષોમાં આ સરકાર કરવાની જ છે. તે સાથે નારાજગી અંગેના મુદ્દુ વધુ જવાબો આપવાનું તેમણે ટાળ્યું હતું.
મંત્રીઓના ખાતા
ક્રમ નામ અને હોદ્દો ખાતાની ફાળવણી
મુખ્યમંત્રી
૧. વિજય રૂપાણી સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ, શહેરી વિકાસ, બંદરો, ખાણ, ખનિજ, માહિતી પ્રસારણ, પેટ્રોલિયમ, ક્લાયમેટ ચેન્જ, પ્લાનિંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, તમામ નીતિઓ
નાયબ મુખ્યમંત્રી
ર. નીતિન પટેલ માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર યોજના
મંત્રીઓ
૩. રણછોડભાઈ ફળદુ કૃષિ, ગ્રામ વિકાસ, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, વાહન વ્યવહાર
૪. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌ-સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન
૫. કૌશિક પટેલ મહેસૂલ
૬. સૌરભ પટેલ નાણાં, ઊર્જા
૭. ગણપત વસાવા આદિવાસી વિકાસ, પ્રવાસન, વન, મહિલા અન બાળ કલ્યાણ
૮. જયેશ રાદડિયા અન્ન નાગરિક પૂરવઠો અને ગ્રાહકોની બાબત, કુટીર ઉદ્યોગ
૯. દિલીપ ઠાકોર શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ
૧૦. ઈશ્વર પરમાર સામાજિક ન્યાય અને અધિકારિતા (અનુસૂચિત જાતિ કલ્યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ)
રાજ્યકક્ષાના મંત્રીઓ
૧૧. પ્રદીપસિંહ જાડેજા ગૃહ, ઊર્જા, વૈધાનિક અને સંસદીય બાબત, કાયદો, ન્યાયતંત્ર (રાજ્યકક્ષા), બોર્ડર અને સિવિલ ડીફેન્સ, જેલ, નશાબંધી આબકારી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો)
૧ર. પરબત પટેલ સિંચાઈ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો)
૧૩. પરષોત્તમ સોલંકી મત્સ્ય ઉદ્યોગ
૧૪. બચુભાઈ ખાબડ ગ્રામગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન
૧૫. જયદ્રથ પરમાર કૃષિ વિભાગ (રાજ્યકક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો)
૧૬. ઈશ્વર પટેલ સહકાર,રમત-ગમત યુવક સાંસ્કૃતિક વિભાગ (સ્વતંત્ર હવાલો) વાહન વ્યવહાર
૧૭. વાસણ આહિર સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ
૧૮. વિભાવરીબેન દવે મહિલા બાળ કલ્યાણ વિભાગ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ)
૧૯. રમણ પાટકર વન અને આદિજાતી વિભાગ
ર૦. કિશોર કાનાણી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ

ગુજરાતમાં ભાજપ સરકારના મંત્રીઓને ખાતાઓની ફાળવણીમાં સર્જાઈ મડાગાંઠ !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૮
ગુજરાતમાં ૧પ૦/ બેઠકોનો લક્ષ્યાંક હાંસલ ન કરી શકનાર ભાજપને બહુમતી મેળવતા પરસેવો આવી ગયો હતો અને હવે જયારે નવી સરકારની રચના કરી દેવામાં આવી છે. ત્યારે સરકારના મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં પણ ભાજપને પરસેવો આવી રહ્યો છે. મંગળવારે મંત્રીમંડળની રચના થયા બાદ આજે ત્રીજા દિવસની મોડી સાંજ થવા આવી હોવા છતાં હજુ સુધી ખાતાઓની ફાળવણી થઈ શકેલ ન હોઈ રાજયમાં ફરી અટકળો શરૂ થઈ જવા પામી છે. જો કે આ વખતે મંત્રીમંડળમાં પક્ષના વધુ ત્રણ સિનિયર સભ્યો મંત્રી તરીકે સમાવાયા હોઈ મહત્વના ખાતાઓની ફાળવણીમાં મતભેદ ઉભો થવા પામ્યો હોવાનું અને તેને લઈને આ સમગ્ર મુદ્દો હવે મોદી-અમિત શાહ જ ઉકેલી શકે તેમ હોવાની વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થવા પામી છે. મંગળવારે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ તેમના નવા પ્રધાન મંડળે પણ શપથ ગ્રહણ કર્યા હતા તે પછી સામાન્ય રીતે જેમ દર વખતે થાય છે તેમ મંત્રી મંડળની બેઠક બોલાવાય છે અને તેમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે ત્રીજો દિવસ થવા છતાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવેલ ન હોઈ અને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જો કે આજે સાંજે પ-૦૦ વાગે મંત્રી મંડળની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ મંત્રી મંડળની બેઠક અગાઉ સીએમના બંગલે સી.એમ. રૂપાણી, ડે.સી.એમ. નીતિન પટેલ વચ્ચે ખાસ બેઠક યોજાઈ હતી જેમાં જીતુ વાઘાણી પણ જોડાયા હતા. આ બેઠક જ લાંબી ચાલતા સચિવાલય ખાતે કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી મોડે સુધી પહોંચી શક્યા ન હતા. જેના કારણે સાંજે પ.૦૦ વાગે શરૂ થનારી કેબિનેટ બેઠક આ લખાય છે ત્યારે રાત્રી સુધી શરૂ થઈ શકી ન હતી અને મંત્રીઓને ખાસ્સો સમય રાહ જોવી પડી હતી ત્યારે આ સમયે અટકળોનું બજાર ગરમ થઈ જવા પામ્યું હતું. મંત્રીઓ સાંજે પ.૦૦ વાગ્યાથી સચિવાલયમાં સમિતિ ખંડમાં આવીને બેસી ગયા હતા. પરંતુ સમય વીતતો ગયો અને મુખ્યમંત્રી તથા ડે.સી.એમની રાહ જોતા રહ્યા પરંતુ તેઓ આવી ના શકતા બેઠક શરૂ થઈ શકી ન હતી. આ રીતે ત્રણથી સાડા ત્રણ કલાક રાહ જોયા બાદ પણ બેઠક શરૂ થઈ શકી ન હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. દરમિયાન આ અંગે તપાસ કરતાં સી.એમ. બંગલે ચાલેલી બેઠકમાં મહત્ત્વના ખાતાઓની ફાળવણી મુદ્દે મડાગાંઠ સર્જાઈ હોવાનું અને તેને પગલે મોદી-અમિત શાહના આખરી જવાબની રાહ જોવાઈ રહ્યાની વિગતો સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ હતી. ટૂંકમાં ભાજપની નવી સરકારમાં પ્રથમ ગ્રાસે મક્ષિકાનો ઘાટ થયો હોય તેમ પ્રારંભમાં જ મતભેદો શરૂ થઈ જતાં સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે કે કેમ ? તે અંગેની ચર્ચાઓ પણ શરૂ થઈ જવા પામી હતી. ખાતા ફાળવણીની પ્રક્રિયામાં વિલંબ મુદ્દે જવાબ આપતા એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વડાપ્રધાન મોદી અને અમિત શાહના માર્ગદર્શનની રાહ જોઈ રહ્યા હોય તેવું બની શકે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks