આસારામ વિરૂદ્ધ બળાત્કાર કેસની સુનાવણીમાં વિલંબ બદલ સુપ્રીમે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

નવી દિલ્હી, તા. ૨૮
બની બેઠેલા બાબા આસારામ બાપુની સંડોવણીવાળા બળાત્કાર કેસની ધીમી તપાસ મામલે ગુજરાત સરકારની આજે સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ એન. વી. રામન્ના અને અમિતવા રોયની બેંચે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, શા માટે અત્યારસુધી પીડિતાનું નિવેદન લેવામાં નથી આવ્યું. આ અંગે રાજ્ય સરકારને એક સોગંદનામું દાખલકરવા જણાવાયું છે અને દિવાળી બાદ આ અંગે વધુ સુનાવણી હાથ ધરવા કહેવાયું છે. સુપ્રીમ કોર્ટે ૧૨મી એપ્રિલે ગુજરાતની નીચલી અદાલતને નિર્દેશ કર્યો હતો કે, જાતિય સતામણી મામલે સુરતની બે બહેનો દ્વારા આસારામ વિરૂદ્ધ કરેલી ફરિયાદમાં કેસની પ્રક્રિયા ઝડપી થવી જોઇએ.
સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને એમ પણ જણાવ્યું હતુ કે, બાકી રહેલા ૪૬ સાક્ષીઓના નિવેદન નોંધે. દિવસના ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને જામીન આપવા ઇન્કાર કરી દીધો હતો. આમાં આસારામની ખરાબ તબીયતનો હવાલો અપાયો હતો. આસારામ વિરૂદ્ધ રાજસ્થાન અને ગુજરાતની બે મહિલાઓ દ્વારા યૌનશોષણના આરોપ લગાવાયા હતા. આ પહેલા ૩૦મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે જામીન મેળવવા માટે ખોટા દસ્તાવેજો મુકવા માટે આસારામના જામીન નામંજૂર કર્યા હતા અને નકલી પેપરો બનાવનારાઓની સામે ફરિયાદ નોંધવા જણાવ્યું હતું. આસારામ અને અને તેના પુત્ર નારાયણસાંઇ વિરૂદ્ધ સુરતની બે બહેનો દ્વારા રેપના આરોપ મુક્યા હતા. મોટી બહેને આરોપ મુક્યો હતો કે, જ્યારે અમદાવાદ નજીકના આશ્રમમાં હતી ત્યારે ૨૦૦૧થી ૨૦૦૬ સુધી તેના પર વારંવાર રેપ કરાયો હતો. રાજસ્થાનના કેસમાં જોધપુર નજીક આવેલા મનાઇ ગામના આશ્રમ ખાતે કિશોરીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ છોકરી ઉત્તરપ્રદેશના શાહજહાંપુરની હતી અને આશ્રમમાં રહેતી હતી. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે આ કેસની સુનાવણી બિનજરૂરી રીતે લંબાવી રહી છે અને સાક્ષીઓ પર હુમલા થઇ રહ્યા છે. અત્યારસુધી બે સાક્ષીઓના મોત થયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks