(એજન્સી) વર્ધા, તા. ૪
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને વર્ધામાં મળ્યાના એક દિવસ બાદ ભાજપના ધારાસભ્ય આશિષ દેશમુખે રાફેલ સોદામાં ભ્રષ્ટાચારને ટાંકીને બુધવારે મહારાષ્ટ્ર્ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે. દેશમુખે મંગળવારે ધારાસભ્ય તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને બુધવારે વિધાનસભાના સ્પીકરને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું હતું. દરમિયાન, મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળું સત્ર આગામી મહિને શરૂ થવાનું હોવાથી શિયાળું સત્ર પહેલા પેટાચૂંટણી ટાળવા માગતો ભાજપ તાકીદે દેશમુખનું રાજીનામું કદાચ સ્વીકારશે નહીં. દેશમુખના નિકટના સૂત્રોએ જણાવ્યું કે વિદર્ભ પ્રદેશના કટોલ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનાર દેશમુખ કોંગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે. ચાર વર્ષ અગાઉ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાના પહેલા આશિષ દેશમુખે કોંગ્રેસ છોડી દીધી હતી. બુધવારે સાંજે જારી કરવામાં આવેલા એક નિવેદનમાં દેશમુખે જણાવ્યું છે કે મેક ઇન ઇન્ડિયા, મેગ્નેટિક મહારાષ્ટ્ર અને સ્કિલ ઇન્ડિયાના વાસ્તવિકતામાં કોઇ પરિણામ આવ્યા નથી. તેમણે એવો આક્ષેપ કર્યો કે રાફેલ સોદામાં વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની સાથેની તેમની મુલાકાત અંગે દેશમુખે જણાવ્યું કે દેશના યુવાઓને રાહુલ ગાંધી પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે.