વેરાવળ, તા.૧૪
વેરાવળ સંયુક્ત મુસ્લિમ સેવા સમાજ તથા ગ્રામ્ય મુસ્લિમ સેવા સમાજ તેમજ સુન્ની જમાત અને જમિયત ઉલમાએ હિન્દ સંસ્થા દ્વારા રેલી રૂપે આજે જિલ્લા કલેકટર તથા પોલીસ વડાને લેખિત આવેદનપત્ર પાઠવી રાજકોટની સોનું ડાંગર તરીકે ઓળખાતી બુટલેગર મહિલાએ મુસ્લિમ સમાજના પયગમ્બર વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલ હોય તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવાની માંગ કરેલ છે.
વેરાવળ સંયુક્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ ગફારભાઈ ચાંચિયા, ઉપપ્રમુખ જાવિદભાઈ તાજવાણી તથા ગ્રામ્ય મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ મહંમદભાઈ તવાણી તેમજ સુન્ની જમાતના પ્રમુખ અ.મજીદ દિવાન અને જમિયત ઉલમાએ હિન્દ સંસ્થાના હનીફ મુફતી, ફારૂક પેરેડાઈઝ સહિત મુસ્લિમ સમાજની દરેક નાની-મોટી જમાતોના આગેવાનો, મુસ્લિમ ગ્રામ્ય વિસ્તારના સરપંચો, નગરસેવકો સહિતના આજે લાબેલા પટણી જમાત ખાનામાં એકઠા થયેલ અને ત્યાંથી રેલીરૂપે જિલ્લા કલેકટર અને ત્યારબાદ જિલ્લા પોલીસ વડાને લેખિત આવેદનપત્ર પાઠવેલ હતું. મુસ્લિમ સમાજની આ રેલીમાં અગ્રણીઓમાં હનીફભાઈ બાઘડા, રફીકભાઈ મૌલાના, યુસુફભાઈ પાકીઝા, ફારૂકભાઈ સોરઠીયા, હસનભાઈ કુરેશી, આલમમીયા શેખ, અબુભાઈ તાઈ, યુસુફભાઈ ઝાગા, આસીફબાપુ કાદરી, સુલેમાનભાઈ ધડા, હાસમભાઈ મુસાગરા, અનવરભાઈ બ્લોચ, હારૂનભાઈ સીડા, કાલુભાઈ મનસુરી, રસુલભાઈ કુરેશી, નુરમમદ વોરા, ઈબ્રાહીમભાઈ મતવા, શકીલભાઈ કાજી, સલીમભાઈ પંજા, હાજી અનુ, રફીકશા, સત્તારભાઈ ચાગા, ફારૂકભાઈ બુઢીયા, સરપંચોમાં ઈરફાનભાઈ બાનવા, ગનીભાઈ, સતારભાઈ તવાણી, નગરસેવકોમાં ગુલામખાન, સતારભાઈ શેખુ, અનવર ચૌહાણ, યુસુફ ગુલામહુસેન સહિત નાની-મોટી જમાતોના હોદ્દેદારો જોડાયેલ હતા અને રાજકોટની સોનું ડાંગર લેડી ડોન તરીકે ઓળખાતી સ્ત્રીએ સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા મેસેજ વાઈરલ કરી મુસ્લિમ સમાજના પયગમ્બર તેમજ સમાજ વિશે અશોભનીય અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સમસ્ત મુસ્લિમ સમાજની લાગણી દુભાવેલ છે. અને હિન્દુ-મુસ્લિમ કોમ વચ્ચે આ વીડિયો વાયરલ થતા વૈમનસ્ય ફેલાય તેવું વાતાવરણ ઊભું કરી સમાજની શાંતિ ડહોળવા હિન પ્રયાસ કરેલ હોય ત્યારે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અને આકરા પગલા ભરવાની માંગ કરેલ છે.
આ ઉપરાંત બર્મામાં મુસ્લિમ લોકો ઉપર હિંસક હુમલાઓ થઈ રહેલ છે અને ત્યાંની સરકાર મુસ્લિમોની કોઈ સહાય કરતી નથી તેથી ભારત સરકાર આ અંગે દરમ્યાનગીરી કરીને બર્માના મુસ્લિમોની રક્ષા-સલામતી માટે મધ્યસ્થી બનવાની માંગ આવેદન પત્રના અંતમાં કરેલ છે.