મેઘરજ પીએસઆઈએ નગરના તમામ લોકોના માનીતા નગર શેઠ સાથે અશોભનીય વર્તન કરતા રોષ

તા.૩૦
અરવલ્લી જિલ્લાના મેઘરજનગરમાં દબાણ હટાવવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ આપેલી નોટિસોના આધારે કરવાની હતી. તેમ છતા કેટલીક જગ્યાએ અધિકારીઓની જગ્યાએ પોલીસે જાતે જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને બદલે હિસાબ ચુકત કરવા દબંગગીરી અપનાવી નગરના પ્રતિષ્ઠિત સિનિયર સીટિઝન નગર શેઠને ખેંચી બિભત્સ શબ્દોથી નવાજી અશોભનીય વર્તન કરી રોફ જમાવતા નગરના લોકોમાં પોલીસ સામે રોષની લાગણી ફેલાઈ છે.
મેઘરજ નગરના તમામ કોમના લકોના માનીતા સીનિયર સીટિઝન અને પ્રતિભાશાળી નગર શેઠ કે જે નગરના લોકોમાં મોભાનું સ્થાન ધરાવે છે તેવા નગરના શેઠના કોમ્પલેક્ષ અને પેટ્રોલપંપ કે જે મેઘરજ ઉન્ડવા રાજય ધોરી માર્ગ ઉપર આવેલા છે તેવા આ કોમ્પ્લેક્ષ અને પેટ્રોલપંપનું બાંધકામ સરકારની મંજૂરીથી મંજૂરી અનુસાર નિયમ મુજબ કરેલ અને કોમ્પ્લેક્ષ આગળ પોતાની માલિકીની જમીનમાં અમદાવાદ શેરની માફક સ્વચ્છતા માટે ફુટપાથ બનાવેલી તેવા આ ફુટપાથ ઉપર કોઈપણ પ્રકારનું બાંધકામ કે લારી ગલ્લા પણ મુકેલા ન હતા. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ કોમપ્લેક્ષના માલિકને નોટિસ પણ આપી ન હતી. નગરના ત્રણે માર્ગો ઉપર ૧ર૦ જેટલા દબાણકર્તાઓને નોટિસો પાઠવી હતી અને તેવા લોકોએ થોડીક ક્ષણો માટે દબાણો સ્વેચ્છાએ હટાવી પણ લીધા હતા ત્યારે તંત્ર દબાણ દુર કરતા કરતા નગરશેઠના કોમ્પલેક્ષ અને પેટ્રોલપંપ આગળ જેસીબી, ડમ્પર અને ટ્રેકટરો લઈને આવ્યા હતા. ત્યારે કોમ્પ્લેક્ષના માલિકને બોલાવીને મૌખિક કહ્યું કે તમોને નોટિસ આપી નથી. અડધો ફુટ જેટલો ફુટપાથના બ્લોક કાઢી લેશો તેવું કહી અધિકારી ત્યાંથી આગળ જતા રહ્યા હતા. ત્યારે કોમ્પ્લેક્ષના માલિકે તાત્કાલિક મજુરો બોલાવી બ્લોક હટાવવાની કામગીરી શરૂ કરી હતી. તે સમયે એકાએક મેઘરજ પીએસઆઈએ જેસીબી મશીન બોલાવી આ કોમ્પ્લેક્ષના માલિક સાથે ગાળો બોલી ખેંચી નાખી સાલાને જેસીબી મશીનમાં નાખી દો. જેવું અશોભનીય વર્તન કરી જેસીબીથી ફુટપાથ તોડી પાડવાનો આદેશ આપી દીધો હતો અને ફુટપાથ તોડી પડાયો હતો. આ ફુટપાથ તોડવાનો અધિકાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનો હતો પણ આ પોલીસ અધિકારીએ જાતે જ માર્ગ અને મકાન વિભાગના અધિકારી બની તોડી પાડવાનો આદેશ આપતા પોલીસ કામગીરીની ટીકા થઈ રહી છે.
પોલીસની કામગીરીનો લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાળવવાની હતી પરંતુ તેમ ન કરતા તેણે તેની સત્તા બહારનો દુરઉપયોગ કરી ગુજરાતના શામળાજી મંદિરના ટ્રસ્ટી અને મેઘરજના નગર શેઠની ઉપર રોફ જમાવી અશોભનીય વર્તન દાખવતા ત્યાં હાજર રહેલા નગરના લોકોએ પીએસઆઈને કહ્યું કે આ એક નગરની પ્રતિષ્ઠિત વ્યકિત છે. જેઓને અમો નગરના લોકો નગર શેઠ કહીને બોલાવીએ છીએ ત્યારે તમો આવી રીતે દારૂડિયા, જુગારિયા જેવા આરોપી હોય તેવી રીતે તમે વર્તન કરો છો તે તમને શોભાસ્પદ નથી તેવું કહેવા છતાં આ પોલીસ અધિકારી માન્યો નહી અને મનનું ધાર્યું કરી ખોટી દબંગાઈ કરી સત્તા બહારનું કૃત્ય કર્યું છે. આ બાબતે સરકાર આવા અધિકારી સામે તાકીદે શિક્ષાત્મક પગલા લઈ સખત કાર્યવાહી હાથ ધરે તેવી મેઘરજના નગરના તમામ કોમના લોકો અને નગરશેઠની માગણી છે . સાથે સાથે આ અંગે મેઘરજ નગરનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવા પણ જનાર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks