અશોક ગેહલોત કોંગ્રેસના તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે બેઠકો કરશે

અમદાવાદ, તા.૪
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત આવતીકાલથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તા.પથી ૭ જુલાઈ સુધી તેઓ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જઈ સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલ સભ્યો જે તે ક્ષેત્રમાં આવતા પ્રદેશ અગ્રણીઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા હાથ ધરી લોકસંપર્ક બેઠક કરશે. ગુજરાત કોંગ્રેસના પ્રભારીનો ચાર્જ સોંપ્યા બાદ એઆઈસીસીના મહામંત્રી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. આથી તેમની નિમણૂંક કરાઈ ત્યારથી લઈ અત્યારસુધી ડઝનેક વાર ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમની સામે કોંગ્રેસનો જૂથવાદ દૂર કરવાની કપરી કામગીરી છે. સાથે સાથે નારાજ શંકરસિંહ બાપુને મનાવવાની તથા અન્ય નેતાઓને વિશ્વાસમાં લેવાની પણ લોઢાના ચણા ચાવવા જેવી કામગીરી આવી પડી છે. જેને સુપેરે પાર પાડવા તેઓ મથી રહ્યા છે. સાથે સાથે ચૂંટણીની તૈયારી અંગે પણ લોકસંપર્ક વધારી રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પ્રભારી અશોક ગેહલોત ઉપરાંત દક્ષિણ ગુજરાતના પ્રભારી હર્ષવર્ધન સપકાલ, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી આવતીકાલ પ જુલાઈથી ૭ જુલાઈ સુધી સુરત, તાપી, વલસાડ, ડાંગ તથા નવસારી શહેર અને જિલ્લામાં આવતી વિધાનસભા મતવિસ્તારના નિરીક્ષકો, જિલ્લા નિરીક્ષકો, જિલ્લા સમિતિના પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, તાલુકા, શહેર પ્રમુખો જે તે વિધાનસભામાં આવતા પ્રદેશ અગ્રણીઓ, સ્થાનિક કક્ષાના કોંગ્રેસ અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે લોકસંપર્ક બેઠક કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks