(એજન્સી) તા.૫
જો કેન્દ્ર સરકાર નાગરિકત્વ (સુધારા) વિધેયકને આગળ ધપાવશે તો આસામ ભડકે બળશે એવી ચેતવણી ઉલ્ફા જૂથના મહામંત્રી અનુપ ચેતિયાએ આપી છે. તિનસુકિયા હત્યાકાંડ પર અનુપ ચેતિયાએ જણાવ્યું હતું કે ઉલ્ફા જૂથ હાલ સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યો છે. તેમણેે જણાવ્યું હતું કે આ ઘટના માટે ઉગ્રવાદી સંગઠનના વાટાઘાટ માટે તરફદારી કરતા જૂથ પર સ્થાપિત હિતો દ્વારા દોષનો ટોપલો ઢોળવાના પ્રયાસથી હાલ જે શાંતિ પ્રક્રિયા ચાલી રહી છે તે ખોરંભે પડશે.
તેમણે જણાવ્યું હતું કે શાંતિ પ્રક્રિયા હાલ આખરી તબક્કામાં છે. ચેતિયાએ વધુમાં જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર નાગરિકત્વ સુધારા બિલને આગળ ધપાવશે તો આસામ ભડકે બળશે. આ વિધેયક જો સંસદમાં પસાર થશે તો પરિસ્થિતિ વધુ વણસશે અને વાટાઘાટ વિરોધી ઉલ્ફાના જૂથ માટે ભરતી વધશે. સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ હાલ જે વિધેયક પડતર છે તે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોના હિંદુ, પારસી, શીખો, ખ્રિસ્તીઓ અને બૌદ્ધો જેવી ત્રસ્ત લઘુમતી સમુદાયને નાગરિકત્વ આપવા માટે માર્ગ મોકળો કરશે.
લઘુમતી સમુદાયને નાગરિકત્વ આપવાની જોગવાઇ ધરાવતા વિધેયકનો આસામના સ્વદેશી સમૂહો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો એ વિધેયક ૧૯૮૫ની આસામ સમજૂતી વિરુદ્ધ છે. આસામ સમજૂતીમાં ગેરકાયદે હિજરતીઓને ઓળખી કાઢવા અને દેશનિકાલ કરવાની સત્તાવાળાઓને સત્તા આપવામાં આવી છે. બાંગ્લાદેશમાંથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યા બાદ જામીન પર છૂટ્યા બાદ ચેતિયા હાલ વાટાઘાટો કરી રહ્યા છે. તેમણેે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે તિનસુકિયામાં બંગાળી સમુદાયના પાંચ લોકોની હત્યાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી. ગરીબ લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે એવું ચેતિયાએ જણાવ્યું હતું.