(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
આસામ સરકારે પ્રથમ અપગ્રેડેડ નાગરિકતા યાદી જાહેર કરી છે. ભારતની નાગરિકતા માટે ૩.૨૯ કરોડ લોકોએ અરજીઓ આપી હતી. આમાંથી આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)માં ૨.૮૯ કરોડ લોકોના નામ છે. આજે જારી કરાયેલી યાદી અનુસાર ૨.૮૯ કરોડ લોકો ભારતના નાગરિક છે અને આસામમાં રહેતા આશરે ૪૦ લાખ લોકોના નામ ૩૦મી જુલાઇએ જાહેર કરાયેલી યાદીમાં નથી. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે, જે લોકોના નામ આ યાદીમાં નથી તેઓના નામ પર વિચારણા હજુ ચાલુ છે અને બીજી અપગ્રેડેડ યાદી ફરીવાર જાહેર કરાશે. આમ કુલ ૨, ૮૯,૮૩,૬૭૭ લોકો એનઆરસીમાં સામેલ કરવા યોગ્ય ઘોષિત કરાયા છે. નાગરિકતા માટે કુલ ૩,૨૯,૯૧,૩૮૪ લોકોએ અરજીઓ આપી હતી જેમાંથી ૪૦,૦૭,૭૦૭ લોકોને ગેરકાયદે ઘોષિત કરાયા છે. યાદીમાં જણાવ્યું છે કે, આ લોકોપોતાની નાગરિકતા સાબિત કરી શક્યા નથી.
રજિસ્ટ્રાર જનરલ શૈલેષે કહ્યું છે કે, જે લોકોના નામ પ્રથમ ડ્રાફ્ટમાં હતા પણ અંતિમ ડ્રાફ્ટમાં નથી તેમણે ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે એવા લોકોને એક પત્ર આપવામાં આવશે અને તેઓ આ યાદીમાં પોતાનુું નામ નહીં આવવા વિરૂદ્ધ દાવો કરી શકશે. આસામના એનઆરસી કોઓર્ડિનેટરે કહ્યું છે કે, આ અંતિમ યાદી નથી પણ અંતિમ ડ્રાફ્ટ છે. જે લોકોના નામ આ યાદીમાં નથી તેઓ દાવો કરી શકે છે અને સરકાર સમક્ષ વાંધો ઉઠાવી શકે છે. તેમની માગો પર વિચારણા કરવામાં આવશે. બીજી તરફ ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, જે લોકોના નામ યાદીમાં નથી તેમણે ડરવાની જરૂર નથી, આ ફક્ત ડ્રાફ્ટ છે અંતિમ યાદી નહીં. તેમણે કહ્યું કે, જે લોકોના નામ યાદીમાં નથી તેઓ ટ્રિબ્યુનલમાં જઇ શકે છે, કોઇની પણ વિરૂદ્ધ ડરાવવા અને ધમકાવનારી કાર્યવાહી કરવામાં નહીં આવે તેથી કોઇએ ડરવાની જરૂર નથી. દરમિયાન આ મુદ્દે સંસદમાં ભારે હોબાળો થયો હતો. ટીમએમસી નેતા એસએસ રોયે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ધાર્મિક અને ભાષાકીય લોકોના નામોને યાદીમાંથી જાણીજોઇને બહાર કરી દીધા છે. આના આસામના પાડોશી રાજ્યો પર ગંભીર પરિણામ દેખાશે. દરમિયાન એનઆરસી મુસદ્દાને લઇ સમગ્ર આસામમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે સીઆરપીએફની ૨૨૦ કંપનીઓ રાજ્યમાં તૈનાત કરી દેવામાં આવી હતી.
NRC ‘અંતિમ ડ્રાફ્ટ’ બહાર પાડવાની પૂર્વ સંધ્યાએ બાવન બાંગ્લાદેશી અપ્રવાસીઓનો દેશનિકાલ કરાયો
સોમવારે આસામમાં એનઆરસી યાદી જાહેર થયા પહેલા તેની પૂર્વ સંધ્યાએ ભારે ડર અને ગભરાટ વચ્ચે આસામમાંથી ૫૨ બાંગ્લાદેશી અપ્રવાસીઓનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો. આ તમામ ૫૨ લોકોને વિદેશી ગણાવવામાં આવ્યા હતા. દક્ષિણ સલમારા-માનકેચારના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ અમૃત ભુયાને કહ્યું કે, તેઓ દેશમાં ગેરકાયદે રીતે ઘૂસ્યા હતા અને રાજ્યના વિવિધ ભાગોમાં સમય-સમયે પકડાયા છે. ગૌહાટી ખાતેની બાંગ્લાદેશ રાજદૂતની કચેરી દ્વારા તેમને પ્રવાસની પરવાનગી આપ્યા બાદ તેઓને પરત મોકલી દેવામાં આવે છે.
‘કઠોર દિવસો આવશે, ગેરકાયદે વસાહતીઓને ચલાવીશું નહીં’ : બંગાળમાં જો ભાજપ સત્તામાં આવશે તો NRC લાવવાનો દિલીપ ઘોષનો વાયદો
પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રમુખ દીલીપ ઘોષે આસામની જેમ પશ્ચિમ બંગાળમાં પણ એનઆરસી જાહેર કરવાની વાત કરી હતી તેમણે કહ્યું કે જો ભાજપને જીત અપાશે તો તેઓ બંગાળમાં પણ એનઆરસી લાવશે. એનઆરસીનું સમર્થન કરતા ઘોષે કહ્યું કે, કેટલાક નેતાઓ પોતાની વોટબેંકની રાજનીતિ સમાપ્ત થઇ તે માટે મગરના આંસુ રડે છે. તેમણે જણાવ્યું કે, જો બંગાળમાં ભાજપ સત્તામાં આવશે તો એનઆરસી લાગુ કરશે. અમે ગેરકાયદે લોકોને બાંગ્લાદેશ મોકલીશું, કઠોર દિવસો આવી રહ્યા છે, અમે બંગાળમાં કોઇપણ ગેરકાયદે અપ્રવાસીને ચલાવીશું નહીં. જે લોકો ગેરકાયદે લોકોને સમર્થન કરશે તેમને પણ દેશમાંથી બહાર ફેંકી દેવામાં આવશે, આસામમાં એનઆરસીનો અમલ સુપ્રીમ કોર્ટના આદેશથી થઇ રહ્યો છે. એનઆરસીનો વિચાર કોર્ટે આપ્યો છે. અને હવે વિપક્ષ કોર્ટ વિરૂદ્ધ બોલી રહ્યો છે. જે લોકોના નામ અંતિમ યાદીમાં નથી તેઓ વાંધો લઇ શકે છે પણ અમે દેશની અખંડતા અને સુરક્ષા સાથે સમાધાન કરીશું નહીં. મમતા બેનરજીના એનઅઆરસી અંગે આકરા પ્રહાર બાદ ઘોષે પ્રતિક્રિયા આપી હતી.
‘લોકોને તેમના જ દેશમાં શરણાર્થી બનાવવામાં આવે છે’ આસામના નાગરિક ડ્રાફ્ટ પર મમતા બેનરજીના પ્રહાર
આસામની નાગરિક યાદીમાં ૪૦ લાખથીવધુ લોકોને ભારતના નાગરિક નહીં ગણાવતા સંસદમાં વિપક્ષે સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. આમાં તૃણમુલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ પર લોકોની ઓળક કરવા અને જેઓ તેમને મત નથી આપતા તેની હેરાનગતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી જતા પહેલા કોલકાતામાં પત્રકારોને તેમણે કહ્યું કે, તેઓ પોતાના જ દેશમાં ભારતીયોને શરણાર્થી બનાવવા માગે છે. તેમણે કહ્યુ કે આ મુદ્દે તેઓ ગૃહમંત્રી રાજનાથને મળશે. હું મારી પાર્ટીના સાંસદોની એક ટીમ આસામ મોકલી રહી છું અને જરૂરી હશે તો હું પણ ત્યાં જઇશ. મમતાએ વધુમાં કહ્યું કે, ઘણા લોકો વિદેશી તરીકે ઓળખાયા છે અને તેઓને પરત મોકલી દેવાશે. આમાંથી ઘણા બાળકો અને મહિલાઓ છે. ઘણા બંગાળી, બિહારી, હિંદુ અને મુસ્લિમો છે, તેઓમાં ઘણા બધા ભારતીયો છે. તેમણે કહ્યું કે, આ લોકો પર થનારા અત્યાચાર વિશે ચિંતિત છું. માનવ અને માણસાઇને ખતમ કરવાની એક રમત છે અને આ તેમને હેરાન કરીને મતોનું રાજકારણ રમવાનો પ્રયાસ છે. અમે ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં માનતા નથી. મમતાએ કહ્યું કે, ૧૯૪૭માં જે લોકો આવ્યા છે તેઓ પણ ભારતીય છે,ઘણા પરિવાર અહીં સાત પેઢીઓથી રહે છે અને તમામ કાયદેસર દસ્તાવેજ આપ્યા બાદ પણ આવા લોકોને યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી. કેન્દ્ર સરકારે આવા લોકો માટે કોર્ટમાં અવાજ ઉઠાવ્યો નથી, આ એક રાજકીય રમતમો ભાગ છે. મને ચિંતા છે કે આપણા દેશમાં આપણા જ લોકોને શરણાર્થી બનાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ અથવા એનઆરસીને પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી ગેરકાયદે આવેલા લોકો માટે ૧૯૫૧ બાદથી કોઇ અપડેટ કરવામાં આવ્યું નથી.
આખરે શું છે NRC મુસદ્દો,
૪૦ લાખ લોકો પાસે હવે કયો વિકલ્પ ?
આસામમાં સોમવારે એનઆરસીનો બીજો તથા અંતિમ મુસદ્દો જારી કરી દેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ૩.૨૯ કરોડ અરજીઓમાંથી આ યાદીમાં ૨.૮૯ કરોડ લોકો નાગરિકતા યોગ્ય ગણાવાયા છે જ્યારે બીજી તરફ આશરે ૪૦ લાખ લોકોના નામ આમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આવા સમયે સવાલ એ થાય છે કે આ ૪૦ લાખ લોકોનું આખરે શું થશે ? રાજ્ય સરકારે કહે છે કે, આ આખરી યાદી નથી, જે લોકોના નામ યાદીમાં નથી તેઓ પોતાનો પક્ષ રાખવા માટે એક મહિનાનો સમય અપાયો છે. તેઓ પોતાના નામ માટે દાવો કરી શકે છે તેમ છતાં આસામમાં લોકો ભારે તણાવમાં આવી ગયા છે.
શું છે NRCમુસદ્દો ?
એનઆરસીનો પ્રથમ મુસદ્દો ૩૧મી ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીએ જારી કરવામાં આવ્યો હતો જેમાં ૧.૯ કરોડ લોકોના નામ હતા. નવા મુસદ્દામાં વસતા તમામ ભારતીયોના નામ અને ફોટા છે. એવું પ્રથમવાર બન્યું છે જ્યારે ગેરકાયદે રીતે રહેનારા લોકો અંગે જાણકારી મળી રહી છે. દેશમાં લાગુ નાગરિકતા કાનુનથી થોડા અલગ રૂપમાં રાજ્યમાં આસામ સમજૂતી ૧૯૮૫ લાગુ છે. તે પ્રમાણે ૨૪ માર્ચ ૧૯૭૧થી અડધી રાત સુધી પ્રાંતમાં પ્રવેશ કરનારા લોકોને ભારતીય નાગરિક મનાયા હતા. જોકે, આસામમાં રહેતા લઘુમતીઓ પાસે પુરતા પુરાવા હોવા છતાં તેમને ખોટી રીતે કનડગત કરાતી હોવાના વિપક્ષ તથા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આરોપ લગાવ્યો છે.
આસામ એનઆરસી : ૩.૨૯ કરોડ અરજીઓમાંથી ૨.૮૯ કરોડ નામના સમાવેશ બાદ રાજ્યસભામાં ભારે હોબાળો
આસામ સરકારે પ્રથમ અપગ્રેડેડ નાગરિકતા યાદી જાહેર કરી છે. ભારતની નાગરિકતા માટે ૩.૨૯ કરોડ લોકોએ અરજીઓ આપી હતી. આમાંથી આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)માં ૨.૮૯ કરોડ લોકોના નામ છે. આજે જારી કરાયેલી યાદી અનુસાર ૨.૮૯ કરોડ લોકો ભારતના નાગરિક છે અને આસામમાં રહેતા આશરે ૪૦ લાખ લોકોના નામ ૩૦મી જુલાઇએ જાહેર કરાયેલી યાદીમાં નથી. આ મુદ્દે સોમવારે રાજ્યસભામાં ભારે અવરોધ જોવા મળ્યા હતા. ભોજન બાદ પણ હોબાળો ચાલુ રહેતા રાજ્યસભા દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે, જે લોકોના નામ આ યાદીમાં નથી તેઓના નામ પર વિચારણા હજુ ચાલુ છે અને બીજી અપગ્રેડેડ યાદી ફરીવાર જાહેર કરાશે. આમ કુલ ૨, ૮૯,૮૩,૬૭૭ લોકો એનઆરસીમાં સામેલ કરવા યોગ્ય ઘોષિત કરાયા છે. નાગરિકતા માટે કુલ ૩,૨૯,૯૧,૩૮૪ લોકોએ અરજીઓ આપી હતી જેમાંથી ૪૦,૦૭,૭૦૭ લોકોને ગેરકાયદે ઘોષિત કરાયા છે.