(એજન્સી) આસામ, તા.૪
આસામના વરિષ્ઠ મંત્રી હિમન્તા બિસ્વા સરમાએ રવિવારે જણાવ્યું કે, ભાજપને ફરી સત્તામાં લાવવામાં નહીં આવે તો ભારતે અન્ય આતંકવાદી હુમલાનો સામનો કરવો પડશે. નાગાંવ જિલ્લાના કામપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા સરમાએ કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે, સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ઝિંદાબાદ લખનારાઓ માટે આત્મસમર્પણ કરવાનો આરોપ મૂક્યો છે. સરમાએ કહ્યું કે, આપણે ભારત અને આસામમાં જો આપણે મોદી સરકારને પાછી લાવશું નહીં તો કદાચ પાકિસ્તાની સેના અથવા આતંકવાદીઓ ભારતીય સંસદ અને આસામ વિધાનસભા પર હુમલાઓ કરશે અને વડાપ્રધાન જવાબી કાર્યવાહી કરવા સક્ષમ રહેશે નહીં. તેમણે ઉમેર્યું કે, જો આપણે ભાજપના નેતૃત્વમાં એકજૂથ નહીં થઈએ તો એક દિવસ આસામમાં પાકિસ્તાન ઝિંદાબાદના સૂત્રોચ્ચાર કરનારાઓ આપણી સભ્યતા અને સંસ્કૃતિને નષ્ટ કરી દેશે. તેમણે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળનું નવું ભારત જવાબી કાર્યવાહી કરી શકે છે. દેશને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાનની જરૂર છે. જે પાકિસ્તાન વિરૂદ્ધ આવશ્યક કાર્યવાહી કરવાનું બળ રાખે છે. ઉલ્લેખનીય છે કે, સરમાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાના હવાઈ હુમલાની હકીકત મુદ્દે ભાજપ અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલ તકરાર અને આસામમાં રાજકીય કટોકટી દરમિયાન આ નિવેદન આપ્યું હતું. એમણે કહ્યું કે, આપણું યુદ્ધ ફક્ત વિકાસ માટેનું નથી આ વિકાસના રાજકારણ સાથે ઓળખની રાજનીતિ છે. સરમાએ જણાવ્યું કે, ભાજપે આસામમાં આપણી વચ્ચે છુપાયેલા પાકિસ્તાની એજન્ટો સામે શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવવાનું સ્પષ્ટ કર્યું છે.