પાકિસ્તાનના છ નેતાઓને આતંકવાદીઓનો ખતરો

(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૧૦
પાકિસ્તાનની આતંકવાદ નિવારણ એજન્સીએ ઇમરાન ખાન સહિત ઘણા રાજકીય પાર્ટીના નેતાઓને તેમના પર આતંકવાદી હુમલાઓ થવાની ચેતવણી આપી છે. એજન્સીએ કહ્યું છે કે, ૨૫મી જુલાઇએ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે પ્રચાર રેલી દરમિયાન આતંકવાદીઓ આ નેતાઓને નિશાન બનાવી શકે છે. રાષ્ટ્રીય આતંકવાદ નિવારણ એજન્સી (એનએસીટીએ)એ જણાવ્યું હતું કે, સંઘીય તથા પ્રાંતિય ગૃહ મંત્રાલયોની સાથે જ કાનૂન પ્રવર્તન એજન્સીઓને ૧૨ એલર્ટ મોકલ્યા છે.
પાકિસ્તાનના ટોચના અખબાર ડોને એજન્સીને ટાંકતા કહ્યું છે કે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) સહિત રાજકીય પાર્ટીઓના નેતૃત્વ અને છ નેતાઓને ચૂંટણી પ્રચાર દરમિયાન નિશાન બનાવી શકાય છે. સીનેટની ગૃહ બાબતોની સ્થાયી સમિતિ સમક્ષ વિગતો આપતા એનએસીટીએના નિર્દેશક ઓબૈદ ફારૂકે જણાવ્યું કે, આ છ નેતાઓમાં પાકિસ્તાન તેહરીકે ઇન્સાફ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાન, અવામી નેશનલ પાર્ટીના નેતા અસફંદયાર વલી અને અમીર હૈદર હોતી, કોમી વતન પાર્ટીના અધ્યક્ષ આફતાબ શેરપાઉ, જમિયત ઉલેમા-એ ઇસ્લામ-ફઝલના નેતા અકરમ ખાન દુર્રાની અને હાફિઝ સઇદનો પુત્ર તલહા સઇદના નામ સામેલ છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન ચૂંટણી પંચના સચિવ બબ્બર યાકૂબ સમિતિને અગાઉ જ માહિતગાર કરી ચૂક્યા છે કે, ૨૫મી જુલાઇએ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ દરમિયાન ભારે હિંસા થવાની શંકા છે અને તેમણે નિર્દેશ આપ્યો હતો કે આવા એલર્ટને ગંભીરતાથી લેવામાં આવે. ઇસ્લામાબાદના પોલીસ પ્રમુખ વકાર અહમદ ચૌહાણે સેનેટ સમિતિને જણાવ્યું કે, નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોના પ્રમુખને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો જેમાં એજન્સીના મુખ્યમથક પર વિસ્ફોટકો ભરેલી ટ્રકથી હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks