નોટબંધીના ‘૪૦’મા દિવસે પણ એટીએમની રઝળપાટ યથાવત્
અમદાવાદ,તા.૧૮
કેન્દ્ર સરકાર દ્વારા અચાનક કરવામાં આવેલી રૂા.પ૦૦ અને ૧૦૦૦ની નોટબંધીને ૪૦ દિવસ થવા છતાં બેન્કો અને એટીએમની લાઈનો ઘટવાનું નામ લેતી નથી. વધારે મુસીબત તો બેન્કોની રજાના દિવસે થાય છે. જયારે પ્રજા માત્ર એમટીએમના ભરોસે હોય છે તેવામાં મોટા ભાગના એમટીએમ ખાલી મળતા લોકોમાં નિરાશા સાથે આક્રોશનો સૂર જોવા મળે છે. નોટબંધીના ૪૦મા દિવસે પણ રવિવાર હોવાથી એટીએમના ભરોસે રહેનાર લોકોને અનેક રઝળપાટ છતાંય એટીએમ ખાલીખમ મળતા લોકોએ જુદી જુદી રીતે બળાપો કાઢયો હતો, જયારે નાના શહેરોમાં એટીએમ ખાલી મળતા મોટા શહેરોમાં એટીએમ ચાલુ હશે તેવી આશાએ આવનારાઓનો પણ બધે જ કાગડા કાળાનો સૂર જોવા મળ્યો હતો.
નોટબંધીને ૪૦ દિવસ જેટલો સમય વિતવા છતાં લાંબી-લાઈનો અને બેન્કો એટીએમની રઝળપાટ જાણે કે શમવાનું નામ જ નથી લેતી. લોકો પોતાના કામ-ધંધા છોડી બેન્કો અને એટીએમની લાઈનોમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ સરકાર કે આરબીઆઈ આ મુદ્દે ગંભીર હોય તેવું લાગતું નથી. જેના પરિણામે બેન્કો કેશ નથી એવું જણાવી ખાતાધારકોને નિરાશ કરી રહી છે. ત્યારબાદ કેશ મેળવવાનો એક માત્ર આધાર એટીએમ પણ ખાલીખમ જોવા મળી રહ્યો છે જે ગણતરીના એટીએમ ચાલુ છે. ત્યાં ભીડ જોઈ લોકો હતાશ થઈ રહ્યા છે. આ સ્થિતિ રવિવારે વધુ ઘેરી અને દયનીય બને છે કારણ કે બેન્કોમાં રજા હોવાના કારણે લોકો માગ એટીએમના આશરે ચાલતા હોય છે. અમદાવાદ જેવા મહાનગરમાં એટીએમ વધુ હોઈ કેટલાક તો ચાલુ હશે. તેવું વિચારી નડિયાદ, આણંદ, મહેસાણા જેવા સ્થળોએથી અહીં એટીએમમાં રોકડ માટે આવનાર લોકોને આજે અમદાવાદની અનેક એટીએમની રઝળપાટ બાદ રોકડ હાથ લાગી ન હતી. મોટા ભાગના એટીએમ ખાલી મળ્યા હતા. તે જોતા તેમણે પણ એવો સૂર વ્યકત કર્યો હતો કે અહીં પણ નાના શહેરોની જેમ એટીએમ ખાલી છે. સાચે જ આ મામલે આખા દેશમાં કાગડા કાળા છે. તેમ કહી બળાપો વ્યકત કર્યો હતો. જયારે કેટલાક સિનિયર સિટીઝનોએ પણ નોટબંધી ગીતોના માધ્યમથી રજૂ કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. નોટબંધીના ૪૦મા દિવસે પણ પ્રથમ દિવસથીય જેવી ભૂંડી હાલત બેન્કો અને એટીએમની બહાર જોવા મળી રહી છે. જયારે સરકારના કહ્યા મુજબ માત્ર પ૦ દિવસ તકલીફ છે તે જોતા હવે તકલીફના ૧૦ દિવસ બાકી છે. પછી શું થશે ? તે તરફ મીટ માંડી સૌ જરૂરતમંદો લાઈનોમાં ઉભા રહ્યા છે.