(એજન્સી) શ્રીનગર, તા.૧૫
કાશ્મીરમાં સુરક્ષા દળો પર થયેલા સૌથી ભયંકર આતંકી હુમલામાં ૪૦થી વધુ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા, જ્યારે અનેકને ગંભીર ઈજા પહોંચી હતી. આ હુમલાનો ભોગ ૭૮ બસો બની હતી. જેમાં લગભગ રપ૦૦ જવાનો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા. અહેવાલ મુજબ આત્મઘાતી હુમલાખોર આદિલ અહેમદ દાર તાલિબાનના અફઘાનિસ્તાન પર વિજયના ઘટનાક્રમથી પ્રેરિત હતો. આ ભયંકર હુમલા બાદ બે વીડિયો વાયરલ થયા હતા. જેમાંથી એક કાશ્મીરી ભાષામાં છે અને અન્ય એક ઉર્દૂમાં વીડિયોમાં યુવાન પોતાને હુમલા માટે જવાબદાર ગણાવતા જૈશ-એ-મોહમ્મદનો સભ્ય હોવાનો દાવો કરી રહ્યો છે. વીડિયોમાં તે ઘાતકી શસ્ત્રોથી સજ્જ દેખાઈ રહ્યો છે અને તેની પાછળ જૈશનું બેનર નજરે પડે છે. વીડિયોની શરૂઆતમાં તે કહે છે કે, “આ વીડિયો તમારા સુધી પહોંચશે, ત્યારે હું સ્વર્ગમાં હોઈશ.” અંતે તેણે દાવો કર્યો હતો કે, અફઘાનિસ્તાનમાં તાલિબાને યુએસને હરાવી સફળતા મેળવી હતી. કાશ્મીરમાં આઝાદી માટે શહીદી જ એક રસ્તો છે.