છાપી, તા. ર૮
વડગામ તાલુકાના છાપી ગામે એક ૧૯ વર્ષની પરિણીતાએ દહેજને લઈ સાસરિયાના ત્રાસથી કંટાળી શરીરે કેરોસીન છાંટી જાતજલાવી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથક મા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામના છાપી ગામે છેલ્લા ત્રણ વર્ષથી રહેતા (મૂળ ડીસાના વતની) મુસ્તુફાભાઈ કુરેશીના દીકરા અબ્દુલભાઇ સાથે ઉનાવા તાલુકો ઊંઝાના સલીમભાઈ કુરેશીની દીકરી મુસ્કાનબાનુંના લગ્ન ત્રણ મા પૂર્વે થયા હતા જોકે લગ્ન બાદ મુસ્કાનબાનુંના સાસુ, સસરા, પતિ તેમજ માસા સસરા કાસમભાઈ અને માસી સાસુ અમનાબેન દ્વારા વારંવાર મહેણાંટોના મારી દહેજની માગણી કરી ત્રાસ આપતા પરિણીતાને લાગી આવતા પોતાના ભાડાના મકાનમાં શુક્રવારે સાંજે મકાન અંદરથી બંધ કરી શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી સળગી આત્મહત્યા કરી હતી. જો કે, આ ઘટના દરમિયાન મકાનમાંથી ધૂવાડાના ગોટેગોટા બહાર નીકળતા આસપાસના લોકો એકત્રિત થઈ બંધ મકાનનો દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો. જો કે, પરિણીતા મૃત હાલતમાં મળી આવી હતી. આ ઘટનાની જાણ મુસ્કાનબાનુંના પિતાને થતા તાત્કાલિક છાપી દોડી આવી દીકરીની લાશને જોઈ ભાગી પડેલ પિતાએ છાપી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશની પી.એમ.માટે છાપી પી.એચ.સી. ખાતે મોકલી આપી હતી અને વધુ તપાસ ડી.વાય.એસ.પી. જનકાત દ્વારા કરવામાં આવી રહી છે. પરિણીતાના પિતાએ જમાઈ અબ્દુલભાઇ વેવાઈ મુસ્તુફાભાઈ વેવાણ નજમાંબેન અને કાસમભાઈ તેમજ તેના પત્ની અમનાબેન વિરૂદ્ધ પરિણીતાને ત્રાસ આપવા તેમજ દહેજ ની માગણી કરવા બાબતે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સ્થળનું પંચનામું કરી એફ.એસ.એલ.ની મદદથી પરિણીતાનું મોત કેવા સજોગોમાં થયું છે. તેની પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવાં મળે છે.