(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.૧૪
થાનગઢ તાલુકાની સોસાયટીમાં બે રાઉન્ડ ફાયરીંગ થતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગેની પોલીસે એફ.આઈ.આર. નોંધવાની ધરાહારના પાડતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. થાનગઢ ખાતે સર્વોદય સોસાયટીમાં રહેતા વિભાભાઈ જહાભાઈના આવેદનપત્રમાં જણાવ્યાનુસાર ભનુભાઈ અનકભાઈ ખવડ (કાઠી) તેમજ અન્ય પાંચ ઈસમો તેમનાં ઘરે આવી તેમનાં પરિવારને ગાળો બોલવા લાગ્યા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વિભાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં બધા ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને રાત્રિના સુમારે પરત આવી તેઓએ વિભાભાઈના ઘરે બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેથી આસપાસનાં રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તેમજ ગોળી વિભાભાઈના શરીરને વાગી હોવાથી તેઓ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશને એફ.આઈ.આર નોંધાવા ગયા હતા પણ ફરજ પરનાં અધિકારીઓએ એફ.આઈ.આર નોંધવાની ના પાડી હતી. જેથી છએ આરોપીઓ ખુલ્લા હથિયારો લઈ સોસાયટીમાં ફરી રહ્યા છે. તેમજ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જેથી જિલ્લા પોલીસ અધિક્ષક તથા રાજ્ય પોલીસ મહાનિર્દેશકને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.