સુરત પાલિકાના વેરા વધારાનો વિરોધ : આવેદનપત્ર અપાશે

(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૫
સુરત મહાનગરપાલિકા સંચાલિત સાતેય ઝોનમાં વેરાબીલ વધારાની સમસ્યા જોવા મળી રહી છે.જોકે,ખાસ કરીને અત્યંત સંવેદનશીલ ગણાતાં વરાછા ઝોનમાં વેરાબીલમાં વધારાને લઇને જોરદાર સળવળાટ જોવા મળી રહ્યો છે. એવું જાણવા મળ્યું છે કે, વરાછાની વિવિધ સોસાયટીઓમાં મિટીંગોનો દૌર શરૂ થઇ ગયો છે અને આવેદનપત્ર આપવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. સાથે જ જો વેરાવધારો પાછો નહીં ખેંચાય તો આંદોલન કાર્યક્રમ પણ ઘડી કાઢવામાં આવશે, જે ચિંતા ઉપજાવનારો વિષય બની જશે.
વરાછા વિસ્તારના સામાજિક તેમજ રાજકીય અગ્રણી રામ ધડુકે જણાવ્યું હતું કે, છેલલા કેટલાક દિવસોથી એનેક અગ્રણીઓ સાથે મળીને તેઓ વેરાબીલમાં અસહ્ય વધારા વિષે ચર્ચા કરી રહ્યા છે અને અત્યાર સુધી કેટલીક મીટિંગો પણ કરવામાં આવી છે.
ધડુકે જણાવ્યું હતું કે, જનજાગૃતિ માટે મીટિંગનો યોગ્ય રીતે શરૂઆત આજથી જ કરી દેવામાં આવશે અને આવનારા દિવસો દરમિયાન રોજરોજ વિવિધ વિસ્તારોમાં મિટીંગો કરી વેરાવધારા બાબતે લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. ધડુકે ઉમેર્યુ હતું કે, હાલમાં ૧૪૪ની કલમને ધ્યાનમાં લઇને કોઇ મોટી રેલી કાઢવામાં નહીં આવે, પરંતુ કેટલાક અગ્રણીઓ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચીને મ્યુનિ. કમિશનર તેમજ મેયરને આવેદનપત્ર આપશે. ખોટી રીતે કરાયેલા વેરાવધારો પાછો ખેંચવા માટે તેમને કદાચ એકાદ મહિનાની ડેડલાઇન આપવામાં આવશે. તે છતાં જો વધારો પાછો નહીં ખેંચાય તો વેરાવધારાના વિરોધના આંદોલનને ઉગ્ર બનાવવા માટે પ્રયત્ન હાથ દરાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks