(એજન્સી) તા.૭
મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી સ્ક્વોડ(એટીએસ)ને તપાસમાં જાણ થઇ કે જમણેરી પાંખનો આતંકવાદી અવિનાશ પવાર અનેક ટારગેટની રેકી કરતો હતો અને જાસૂસી કરતો હતો. જ્યારે પધ્માવતની સ્ક્રિનિંગમાં બોમ્બ લગાવાયો હતો ત્યારે તે બેલગામમાં જ હાજર હતો. જ્યારે પૂણેમાં સનબર્ન ફેસ્ટિવલમાં બોમ્બ ફેંકવાનું કાવતરું રચાયું ત્યારે પણ તે પૂણેમાં હાજર હતો. એક જાણીતા મીડિયાએ ૩ સપ્ટેમ્બરના રોજ માહિતી આપી હતી કે એટીએસને તપાસમાં જાણ થઈ કે પવાર મઝગાઉ ડોક્સ લિમિટેડમાંથી નોકરી છોડી ગયો હતો. એટીએસના અધિકારીના જણાવ્યાનુસાર પવાર એક બોમ્બ મેકર હતો અને તેણે ફાયરિંગ આર્મ્સની ટ્રેઈનિંગ પણ લીધી હતી. એજન્સી એ જાણવા માગતી હતી કે શું પવારે શ્રીકાંત પંગારકર, શિવસેનાના જાલાનાના કોર્પોરેટરને ટ્રેઈનિંગ આપી હતી. તદઉપરાંત એટીએસે પવારની ડાયરી પણ જપ્ત કરી લીધી છે. આ ડાયરી એમડીએલ ખાતેથી લોકરમાંથી મળી હતી. તેમાં અનેક કોડ આધારિત મેસેજ લખેલા છે. અધિકારોઓ હજુ પણ તેના પર ગુંચવાયેલા છે. તપાસકારો કહે છે કે પવાર કોઇ બીજાના નામે રજિસ્ટર કરેલા સિમકાર્ડ વાપરતો હતો અને તેના સેલ ટાવર આધારિત લોકેશન બેલગામ અને પૂણે દર્શાવતા હતા. જોકે તપાસમાં ખુલાસો થયો કે વૈભવ રાવતે તેને આ સિમ કાર્ડ ઉપલબ્ધ કરાવ્યા હતા. જેને આ કાર્ડ સુધાન્વા ગોંડાલકરે આપ્યા હતા. એટીએસના સૂત્રોએ જણાવ્યું કે તે આ સિમ વાપરીને પાછો આપી દેતો હતો. જોકે આ સિમ રાઉત પાસેથી દરોડા દરમિયાન મળી આવ્યા હતા. એટીએસએ કહ્યું કે રાઉત અને પવાર વચ્ચે સીધો સંબંધ હતો. પવાર પાસેથી કુલ ૫ સિમ મળી આવ્યા હતા.