(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૬
રાજયમાં કચ્છ-સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના ઘણા વિસ્તારોમાં પાણીની તંગીની સંખ્યાબંધ ફરિયાદો ઉઠવાની સાથે તેને લઈને હવે લોકોની કફોડી સ્થિતિ સર્જાઈ રહી છે, જયારે સરકાર દ્વારા બેઠકોનો દોર યોજવા સહિતની દોડધામ કરવામાં આવી રહી છે. ‘સબ ઠીક હૈ’ના દાવા સાથે સરકાર એક તરફ જુલાઈ સુધી રાજયમાં પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું કહે છે તો બીજી તરફ પાણીની તંગીવાળા વિસ્તારોમાં પાણી માટે ધરમ-ધક્કા ખાવા પડી રહ્યા છે. આવી સ્થિતિને લઈ બેઠકોના દોર વચ્ચે આજે મુખ્યમંત્રી રૂપાણીએ રાજયના અમદાવાદ, સુરત સહિતના આઠ મહાનગરોમાં પાણીની સ્થિતિ, ઉપલબ્ધિ સહિત આયોજન વગેરેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના આઠેય મહાનગરોમાં તથા શહેરી વિકાસ સત્તા મંડળોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પાણી પુરવઠાની સ્થિતિની સમીક્ષા અને આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોના મેયર, સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો, કમિશનર સાથેની આ બેઠકમાં મહાનગરો તેમજ શહેરી વિકાસ સત્તા મંડળોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મહાનગરોમાં અને સ્થાનિક વિકાસ સત્તામંડળ વિસ્તારોમાં સ્થાનિક સોર્સ તેમજ નર્મદામાંથી આપવામાં આવતા પાણી પુરવઠાની હાલની પરિસ્થિતિ તથા તા.૩૧ જુલાઈ સુધી પાણીની સમસ્યા ન સર્જાય તે માટેના આયોજનો વગેરે અંગે ચર્ચા કરી હતી. આ સાથે તેમણે મહાનગરોમાં આગામી ૧-ર વર્ષમાં વપરાશ માટેના પાણી પુરવઠામાં ૭પ ટકા ટ્્રીટેડ વોટર- રીસાયકલ્ડ વોટર યુઝ કરવા માટેની વ્યવસ્થા કાર્યરત થાય તે અંગે પણ તાકીદ કરી હતી. આ રિસાયકલ્ડ વોટરનો ઉપયોગ ઉદ્યોગ ગૃહોના ઔદ્યોગિક વપરાશ, મહાનગરોમાં બાગ-બગીચા-વૃક્ષારોપણ તેમજ મહાનગરોના તળાવો ભરવા માટે કરીને હાલ ગ્રાઉન્ડ વોટર કે નર્મદાના પાણી પરની ડીપેન્ડન્સી ઘટાડવા અંગે પણ બેઠકમાં ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નગરોની નદીઓ પુનઃજીવીત કરવા અને ખેડૂત મંડળીઓ મારફત આવું ટ્રીટેડ વોટર ખેતીવાડી માટે વપરાશમાં લેવાની બાબતે પણ માર્ગદર્શન બેઠકમાં આપવામાં આવ્યું હતું.