
સાવરકુંડલા, તા.૧૬
અમરેલીના છેવાડાના ગામ ચાંચ જવા લોકોને આજે પણ બોટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. અહી આઝાદીના સાત દાયકા બાદ પણ અહીં વસતા ૧૦,૦૦૦ લોકોને પરિવહન માટે હોડીનો ઉપયોગ કરવો ફરજિયાત છે. અહી વિક્ટર બંદરથી ચાંચ જવા માત્ર ૫૦૦ મીટર ખાડી પાર કરવી પડે અને જો રોડ માર્ગ દ્વારા જવું હોય તો ૨૫ કિ.મી. દૂર થઇ પડે ત્યારે સ્થાનિક કાર્યકર આતાભાઈ સહિતના લોકોની વર્ષો જૂની માંગ છે કે, અહી જો ૫૦૦ મીટર ખાડી પર પૂલ બાંધવામાં આવે તો લોકોને આવન-જાવન સરળ બને અને લોકોને છેક ૨૫ કિ.મી. દૂરનો ધક્કો પણ તળે ત્યારે હાલ તો લોકો ૨૫ કિ.મી. દૂર જવાને બદલે પોતાના વાહન સમેત વિક્ટરથી ચાંચ બોટમાં જ ચડાવી આવન-જાવન કરે છે. આ બોટ કે હોડીની આવન-જાવન દિવસે જ ચાલુ હોય છે અને રાત્રે તે બોટ કે હોડી બંધ રહે છે જેથી લોકોને ઈમરજન્સીમાં ખાસી તકલીફ પડે છે અને છેક હાઈવે પર પહોંચતા ૨૫ કિ.મી. દૂર ફરીને જવું પડે છે. અહી ખાડીથી નેશનલ હાઈવે લેશ માત્ર દૂર છે. પરંતુ રોડ માર્ગે ૨૫ કિ.મી.નો ખેરા પટવા સમઢિયાળા દાતરડીનો છેક ફેરો લગાવવો પડે અને બાદ આ છેક હાઈવે પર ચડાય વળી અહી ત્રણ તરફ દરિયો છે અને આ વિસ્તારમાં ક્યારે પણ કોઈ બસ એસટીની આવી નથી કે, આવતી નથી જેથી લોકોને ખાડી પર પૂલ બંધાય તો અહી ભરપૂર સવલતો ઊભી થઇ શકે તેમ છે. વળી અહી કુદરતી સૌંદર્ય ચારે તરફ ફેલાયું છે અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનો અહી ભવ્ય પેલેસ પણ આવેલો છે તે ઉપરાંત અહી સારામાં સારો દરિયા કિનારો છે જેથી અહી જો ખાડીમાં પૂલ બને તો પર્યટન ક્ષેત્રે જબરો વિકાસ થઇ શકે તેમ હોય અહીના લોકસેવક આતાભાઈ વાઘ દ્વારા આ અંગે પૂલ આવનારી સરકાર બનાવે તેવી માગણી કરાઈ છે.