આઝાદીની લડાઈમાં મુરાદાબાદના આ દેશભક્તોએ અંગ્રેજોને હંફાવી દીધા હતા

(એજન્સી) મુરાદાબાદ,તા.૧૪
આજે ભારતને મળેલ આઝાદીના ૭૦ વર્ષ પૂર્ણ થયા છે. આજના દિવસે આપણે દેશની આઝાદી માટે કુરબાની આપનારા સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કરીએ છીએ.ઈતિહાસના પાનાઓમાં આ ક્રાંતિકારીઓને કંડારવામાં આવ્યા છે. પરંતુ તેમાં અમુક ક્રાંતિકારી એવા પણ છે જેમણે આઝાદીની લડાઈ માટે પોતાનો જીવ કુરબાન કરી દેવામાં જરાય કચાશ કર્યો ન હતો. પણ તેમનો ઈતિહાસ ગુમ છે. સૂત્રો મુજબ આઝાદીની લડાઈમાં મુરાદાબાદના અમુક ક્રાંતિકારીઓએ સ્વતંત્રતા માટે હસતા મોઢે પોતાનો જીવ આપી દીધો હતો.જેમાંના એક છે.બહાદુરશાહ જફરના સેનાપતિ મજ્જુ ખાન.નવાબ મજ્જુ ખાને અંગ્રેજોને હંફાવી દીધા હતા. જૂન,૧૮૫૭માં તેમણે અંગ્રેજોને મુરાદાબાદમાંથી નૈનિતાલ ભાગી જવા મજબૂર કર્યા હતા. મજ્જુ ખાને અહીં બહાદુરશાહ જફરનો ઝંડો લહેરાવ્યો હતો. જ્યારે અંગ્રેજો મજ્જુ ખાનનું કંઈ બગાડી ન શક્યા તો તેમણે રામપુરના નવાબની ફોજની મદદથી ખાનને બંદી બનાવ્યા હતા. બાદમાં અંગ્રેજોએ તેમને ગોળીથી વિંધિ તેમના શબને ચૂનાની ભટ્ટીમાં નાખી દીધો હતો. આટલેથી જ ન અટકતા નિર્દયી અંગ્રેેેજોએ તેમના પાર્થિવ શરીરને હાથીના પગ સાથે બાંધી આખા શહેરમાં ફેરવ્યા હતા. ત્યારબાદ ગલશહીદમાં આંબલીના ઝાડ પર માથુ કાપીને લટકાવ્યું હતું. ઈતિહાસકાર જાવેદ રશીદી જણાવે છે કે, વર્તમાન રાજકીય વ્યવસ્થાએ મજ્જુ ખાન જેવા ક્રાંતિકારીઓને કોઈ સ્થાન અપાવ્યું નથી. પરંતુ હવે તે આ ઐતિહાસિક વિરાસત અને આ ઈતિહાસને એકત્રિત કરવાની કાયદાકીય લડાઈ લડી રહ્યા છે.
આવા જ અન્ય ક્રાંતિકારી છે ગોવિંદ પ્રસાદ ભટનાગર, સૂફી અંબાપ્રસાદના પિતા ગોવિંદપ્રસાદ ભટનાગર મુરાદાબાદના અગવાનપુરના વતની હતા.તેમણે ૧૮૩૫માં શહેરના કાનૂન ગોયન વિસ્તારમાં વસવાટ કરી પ્રિન્ટીંગ પ્રેસ શરૂ કરી હતી. ૧૮૮૭માં તેમણે સિતારે હિન્દ અખબાર, ૧૮૯૦માં જમા બુલ ઉલમ નામની પત્રિકા શરૂ કરી હતી. જે બંને ઉર્દુમાં હતા.તે પોતાના અખબારમાં અંગ્રેજો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા લોકોને પ્રેરીત કરતા હતા. જે હેઠળ તેઓ અંગ્રેજોની નજરમાં આવ્યા હતા. અંગ્રેજોએ તેમની ધરપકડ કરવાના પેતરા શરૂ કર્યા હતા. પરંતુ તેઓ અંગ્રેજોની નજર ચૂકવી ૧૯૦૫માં પંજાબ ભાગી ગયા હતા. ઈરાનમાં તેમનું નિધન થયું હતું. જ્યાં આજે પણ તેમની મઝાર પર મેળો ભરાય છે. મુરાદાબાદના ટાઉન હોલમાં મીઠાનો સત્યાગ્રહ આંદોલન માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા.પરંતુ અંગ્રેજોએ આ વાતની જાણ થતાં જ તેમને વિખેરવા માટે ગોળીબાર કર્યો હતો. જેમાં મદનમોહન, રહમત ઉલ્લાહ, લતીફ અહમદ, નઝીર અહમદ અને અન્ય ચાર અનામી લોકો શહીદ થયા હતા. જેમનો ઈતિહાસમાં કોઈ નોંધ નથી. તેના વિરોધમાં જામા મસ્જિદ પર એકત્રિત સેકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તદુપરાંત ૯ ઓગસ્ટ,૧૯૪૨માં મુરાદાબાદના અનેક લોકોની ધરપકડના વિરોધમાં ૧૦ ઓગસ્ટના રોજ રામમોહન લાલે રેલી યોજી હતી. પરંતુ પાનદરીબા પહોંચેલ રેલીમાં જોડાયેલા લોકોને વિખેરવા માટે અંગ્રેજ ડીએમ અને પોલીસ કેપ્ટન બૌરવાલે ગોળીબાર કર્યો હતો. જેમાં મોતીલાલ, મુમતાજ ખાન, ઝાઉલાલ, રામપ્રકાશ અને ૧૧ વર્ષીય જગદીશ શહીદ થયા હતા. સેંકડો ઘાયલ આંદોલનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. સેંકડો શહીદોનું નામ ઈતિહાસના ચોપડે ક્યાંય જોવા મળ્યું નથી. જેના વિરોધમાં કાંકાઠેર તથા મછરીયા રેલવે સ્ટેશન ભડકે બાળવામાં આવ્યા હતા. શહીદોની યાદમાં પાનદરીબા પર શહીદ સ્મારક છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks