(એજન્સી) અગરતલા, તા.૧૮
ત્રિપુરાના રાજ્યપાલ તથાગતા રોયે નવા વિવાદો સર્જ્યા છે. એમણે સોશિયલ મીડિયા ઉપર ટિપ્પણી કરી છે જેમાં અઝાન દ્વારા થતાં અવાજની સરખામણી ફટાકડાઓના અવાજ સાથે કરી છે. જે લોકો ફટાકડાઓથી અવાજનું પ્રદૂષણ થાય છે. એ પ્રકારની ફરિયાદો કરે છે એમના સામે પ્રશ્ન કર્યો છે. એમણે લખ્યું છે કે પ્રત્યેક દિવાળીએ ફટાકડાઓના અવાજને લઈને અવાજનું પ્રદૂષણ ફેલાય છે એ વાત ઉપર વાદ-વિવાદો થાય છે. ફટાકડાઓ વર્ષમાં ફકત અમુક દિવસોએ જ ફોડવામાં આવે છે પણ અઝાન બાબત વિવાદો થતાં નથી જે લાઉડસ્પીકર ઉપરથી સવારે ૪ઃ૩૦ વાગે સમગ્ર વર્ષ દરમિયાન પોકારવામાં આવે છે. કહેવાતા બિનસાંપ્રદાયિકોની આ વાત બાબતે ચુપકીદી મને ખૂંચે છે. કુર્આનમાં અથવા હદીષમાં નમાઝ પહેલાં લાઉડસ્પીકરથી અઝાન પોકારવાનો કોઈ ઉલ્લેખ જ નથી. પ.બંગાળમાં સરકારે દિવાળીના દિવસે રાત્રે ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકયો છે જેની સામે નારાજગી દર્શાવવા રોયે ટિપ્પણી કરી છે. દિલ્હીમાં સુપ્રીમકોર્ટે ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકતા એની પણ ટીકા કરી છે. હિન્દુ તહેવારોની ઉજવણીઓ માટે અન્યાય કરાઈ રહ્યો છે. રોયે નારાજગી દર્શાવતા કહ્યું કે ફકત ફટાકડાના મુદ્દે જ નહીં પણ એવોર્ડ વાપસી બ્રિગેડ ફરી સક્રિય થઈ પડશે અને હિન્દુઓના થતાં અંતિમ સંસ્કારો ઉપર પણ પ્રતિબંધની માગણી કરશે અને કારણ આપશે કે એનાથી થતાં ધૂમાડાથી પ્રદૂષણ થાય છે.