(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
જૈશે મોહંમદનો વડો મસૂદ અઝહર ફરી એકવાર વૈશ્વિક આતંકવાદી જાહેર થવાથી બચી ગયો છે. ચીને ભારતના પ્રયાસોને આંચકો આપતા પ્રસ્તાવમાં રોડા નાખ્યા છે. ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર રોક ટેકનિકલ રીતે રોક લગાવી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ૧૨૬૭ અલ કાયદા સેંકશન કમિટી અંતર્ગત અઝહરને આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ ૨૭ ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા લાવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા ભારતના વિદેશ મંત્રાલયે નિરાશા વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યુ છે કે, ઘટનાક્રમ અંગે અમે નિરાશ છીએ. પરંતુ અમે તમામ ઉપલબ્ધ વિકલ્પો પર કામ કરતા રહીશું જેથી એ ખાતરી કરી શકાય કે ભારતીય નાગરિકો પર થયેલા હુમલાઓમાં સામેલ આતંકવાદીઓને ન્યાયના કઠેડામાં લાવી શકાય. મંત્રાલયે કહ્યું કે, અમે પ્રસ્તાવ લાવનારા સભ્ય રાષ્ટ્રોના પ્રયાસ માટે આભારી છીએ. સાથે જ સુરક્ષા પરિષદના અન્ય સભ્યો અને બિન સભ્યોના પણ આભારી છીએ જેમણે આ પ્રયાસમાં સાથ આપ્યો છે. મંત્રાલયે ચીનનું નામ લીધા વિના કહ્યું કે, કમિટી અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા પ્રસ્તાવ પર કોઇ નિર્ણય કરી શકી નથી કેમ કે એક સભ્ય દેશે પ્રસ્તાવ રોકી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે કહ્યું હતું કે, ચીનનો નિર્ણય સમિતિના નિયમો અનુસાર છે. તેમણે કહ્યું કે, અમને પુરી આશા છે કે, સમિતી દ્વારા કરાયેલા કાર્યવાહી પ્રાસંગિક દેશોને વાતચીત તથા મંત્રણામાં સામેલ કરવા તથા ક્ષેત્રીય શાંતિ તથા સ્થિરતામાં વધુ જટિલ કારકોને જોડવામાં મદદ કરશે. ૧૪મી ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશે મોહંમદના ફિદાયીને સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આ હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઉભી થઇ ગઇ હતી. કમિટીના સભ્યો પાસે પ્રસ્તાવ અંગે વાંધો ઉઠાવવા માટે ૧૦ દિવસનો સમય હતો. આ સમય મર્યાદા બુધવારે ન્યૂયોર્કના સમય અનુસાર બપોરે ત્રણ વાગે (ભારતીય સમય અનુસાર બુધવારે મોડી રાતે ૧૨.૩૦ વાગે) સમાપ્ત થવાની હતી.સંયુક્ત રાષ્ટ્રમાં એક રાજદૂતે જણાવ્યું હતું કે, સમયમર્યાદા સમાપ્ત થતા પહેલા જ ચીને પ્રસ્તાવ પર ટેકનિકલ રોક લગાવી દીધી હતી. રાજદૂતે કહ્યું કે, ચીને પ્રસ્તાવની તપાસ કરવા માટે વધુ સમય માગ્યો છે. આ ટેકનિકલ રોક છ મહિના સુધી કાયદેસરતા ધરાવે છે અને પછી તેને ત્રણ મહિના સુધી આગળ વધારી શકાય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રમાં અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે આ ચોથો પ્રસ્તાવ હતો. કમિટી સામાન્ય સહમતીથી નિર્ણય કરે છે. સંયુક્ત રાષ્ટ્રમાં નિયુક્ત તથા ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને એકટિ્વટમાં લખ્યું છે કે, ‘મોટા, નાના અને અનેક…૧ મોટા દેશે રોક લગાવી દીધી, ફરીથી એક નાનું સિગ્નલજ્ર આતંક વિરૂદ્ધ સંયુક્ત રાષ્ષ્ટ્. ઘણા દેશોનો આભાર…નાના અને મોટા જેઓ અભૂતપૂર્વ સંખ્યામાં આ કવાયતમાં સામેલ થયા. ઉલ્લેખનીય છે કે, તમામ નજરો ચીન પર હતી કેમ કે, તે પહેલા પણ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસોમાં રોડાં નાખી રહ્યો હતો.