વડાપ્રધાનના દાવેદાર હવે રાષ્ટ્રપતિય નહીં બની શકે! ૨૫મી જુલાઇ ૨૦૧૭ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી ગયેલ છે ત્યારે ‘પાંજરાના પોપટ’ના નામે ઓળખાતી સી.બી.આઇ. રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે જ કારકિર્દી સમાપ્ત કરી નાંખી! એટલે જ રાજકારણને ‘ચેસ’ની રમત સાથે સરખાવાય છે.
નવી દિલ્હી, તા.૧૯
૧૯૯૨માં બાબરી મસ્જિદ શહીદ કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત ૧૩ સામે ગુનાઇત ષડયંત્ર રચવાના કેસ ચલાવવા આદેશ આપ્યો છે. દરમિયાન સીબીઆઇએ આ તમામ આરોપીઓ સામેના આરોપો પડતા મુકવાની માગ કરી હતી. જોકે, આમાંથી ત્રણ આરોપીઓ મોતને ભેટ્યા છે જ્યારે ૧૦ સામે કેસ ચાલશે. દરમિયાન ૨૫મી જુને રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ માટે અડવાણી પ્રમુખ ઉમેદવાર હતા પરંતુ સુપ્રીમના નિર્દેશ બાદ અડવાણીની રાષ્ટ્રપતિ બનવાની આશા પર પણ પાણી ફરી ગયું છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, સીબીઆઇએ ૨૪ વર્ષ છતાં અડવાણી અને અન્યો સામે ષડયંત્રના આરોપોનો ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો જ નહોતો.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ શહીદ કરવાની ઘટનાને ‘રાષ્ટ્રીય અપરાધ’ ગણાવી હતી.
બુધવારે સુપ્રીમ કોર્ટે આ મામલે અરજી પર સુનાવણી કરતા એક મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો હતો. ન્યાયાધીશ પીસી ઘોષ અને ન્યાયાધીશ રોહિંટન નરીમનની પીઠે કેસમાં સીબીઆઇની અપીલ બાદ આ નિર્ણય સંભળાવ્યો છે. દરમિયાન કોર્ટે આ મામલે રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યંુ છે કે, કલ્યાણસિંહ અત્યારે રાજસ્થાનના રાજ્યપાલના પદે હોવાથી તેમની સામે આરોપો ઘડાઇ શકાય નહીં જોેકે, તેઓ આ પદ પર નહીં હોય ત્યારે તેમની સામે કેસ ચાલી શકે છે. ઉલ્લેખનીય છે કે, કલ્યાણસિંહ બાબરી મસ્જિદ શહીદ થઇ ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, રાયબરેલી અને લખનઉમાં ચાલી રહેલી વિવિધ સુનાવણીઓને ઉત્તરપ્રદેશના પાટનગરમાં એક સાથે ચલાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે મહત્ત્વના ચુકાદા રૂપે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કેસની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી આ સંવેદનશીલ કેસમાં લખનઉના જજની બદલી થઇ શકશે નહીં. આ ઉપરાંત કોઇ પણ પક્ષ કેસમાં જજને સંતોષજનક જવાબ આપ્યા વિના વિલંબ પેદા કરી શકશે નહીં. દરમિયાન સીબીઆઇને કડક રીતે સૂચના આપવામાં આવી છે કે, તે સાક્ષીઓના રેકોર્ડિંગ તથા પુરાવાને નિયત તારીખે કોર્ટ સમક્ષ લાવે તેની જવાબદારી હોવી જોઇએ જેની આજથી ચાર અઠવાડિયામાં સુનાવણી શરૂ થઇ જવી જોઇએ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ કેસમાં કોઇ નવી સુનાવણી નહીં થાય.
સુપ્રીમે નિર્દેશ કર્યો હતો કે, પત્રમાંના તેના આદેશોનું પાલન થવું જોઇએ. બાબરી મસ્જિદ શહીદી મુદ્દે બે વિવિધ કેસ ચાલી રહ્યા છે જેમાં એક ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અજાણ્યા કારસેવકો દ્વારા બાબરીને શહીદીનો કેસ લખનઉ કોર્ટમાં જ્યારે નેતાઓ અંગેનો કેસ રાયબરેલી કોર્ટમાં ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે છ એપ્રિલે જ સંકેત આપી દીધો હતો કે આ બંને કેસોની સુનાવણી એકસાથે હાથ ધરવામાં આવી શકે છે જેમાં રાયબરેલી કેસને લખનઉમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સીબીઆઇએ સ્પષ્ટતા કરી હતી કે, તેણે વીવીઆઇપી આરોપીઓ અંગે કોઇ રજૂઆત કરી નથી પરંતુ તેમની સામે ઘડાયેલા ષડયંત્રના આરોપોના પુનઃસ્થાપનને પોતાની રીતે રોક્યા છે.
સુપ્રીમના નિર્દેશ બાદ ભાજપના વરિષ્ઠ નેતાઓની ચિંતા વધી હતી અને મુરલી મનોહર જોશી અડવાણીને મળવા તેમના નિવાસે પહોંચી ગયા હતા.