National

બાબરી મસ્જિદ શહીદી દિને અફરાઝુલની હત્યા એ યોગાનુયોગ નથી : પરિવારજનો

(એજન્સી) તા.૧૭
રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પ.બંગાળના માલદાના હિજરતી શ્રમિક અફરાઝુલખાનની કરાયેલી હત્યાના એક મહિના બાદ તેના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો છે કે અફરાઝુલની હત્યા પાછળ એક મોટંુ ષડયંત્ર હતું. કુહાડીથી હત્યા કરીને ગઇ સાલ ૬ ડિસે.ના રોજ તેની લાશને સળગાવી દીધી હતી. અફરાઝુલના સગાસંબંધીઓના આક્ષેપ મુજબ ૧૯૯૨માં અયોધ્યામાં બાબરી મસ્જિદ શહીદીની ૨૫મી વર્ષગાંઠે શૌર્યદિન મનાવવા માટે જમણેરી પાંખના સભ્યોએ અફરાઝુલની હત્યા કરી હતી. અફરાઝુલની ખોફનાક હત્યાનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો અને સિવિલ કોન્ટ્રાક્ટર શંભુલાલ રેગરે સોશિયલ નેટવર્ક વેબસાઇટ પર તે વાઇરલ કર્યો હતો. પોલીસે પાછળથી આરોપીની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ દાખલ કરી હતી. માલદાના સૈયદપુર ગામે ન્યૂઝ ૧૮ સાથેની વાતચીતમાં અફરાઝુલના પિતરાઇ નૂર ઇસ્લામે જણાવ્યું હતું કે આરોપી શંભુલાલ રેગરે એવો આક્ષેપ કર્યો છે કે તેણે લવજેહાદ માટે અફરાઝુલની હત્યા કરી છે. વાસ્તવમાં નૂર ઇસ્લામના જણાવ્યા પ્રમાણે આ આક્ષેપ જૂઠો અને ઉપજાવી કાઢેલ છે. તેણે જમણેરી પાંખના જૂથની સહાનુભૂતિ પ્રાપ્ત કરવા લવજેહાદનું બહાનું ઉપજાવી કાઢ્યું છે. નૂર ઇસ્લામે જણાવ્યું હતું કે અફરાઝુલની હત્યા બાદ અમે રાજસમંદમાં કામ કરતા માલદાના અન્ય હિજરતી શ્રમિકો સાથે વાતચીત કરી હતી અને અમને જાણવા મળ્યું છે કે તેની પાછળ ૬ ડિસે.ના રોજ બાબરી મસ્જિદ શહીદી પર લોકોનું ધ્યાન ખેંચવા પાછળનો મકસદ હતો. રેગરના માતા પણ દૈનિક રોજમદાર છે તેથી શક્ય છે કે કેટલાક લોકોએ નોકરી માટે પૈસા સાથે સંપર્ક કર્યો હશે. અફરાઝુલની હત્યાના એક દિવસ બાદ રેગરના બેંક ખાતામાં કેટલાક લાખ રુપિયાની લેવડ દેવડ થઇ હતી. અમે જાણવા માગીએ છીએ કે તેમના ખાતામાં કોણે આટલી મોટી રકમ જમા કરાવી હતી અને શા માટે. અફરાઝુલના પત્ની ગુલબહાર બીબીએ લવજેહાદના આક્ષેપને જૂઠો અને ઉપજાવી કાઢેલો ગણાવ્યો હતો. મારા પતિ ક્યારેય આવા કેસમાં સંડોવાયા નથી. અફરાઝુલના ભાઇ તફઝુલખાને સવાલ ઉઠાવ્યો છે કે રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે રેગરના પાશવી અપરાધ પર શા માટે મૌન ધારણ કર્યુ છે ? અફરાઝુલના પરિવારે આમ એવી સ્પષ્ટતા કરી છે કે બાબરી મસ્જિદ શહીદી દિને અફરાઝુલની હત્યા એ કોઇ યોગાનુયોગ નથી.