(એજન્સી) લખનઉ, તા. ૨૪
દેશમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ એક બહુ મોટો વિવાદ માનવામાં આવે છે. આ વિવાદ બે મુખ્ય સમુદાય હિન્દુ-મુસ્લિમ વચ્ચે અંતરનું કારણ બનેલો છે પરંતુ અન્ય એક સમુદાયે અયોધ્યા જમીન પર પોતાનો દાવો કર્યો છે. હવે બૌદ્ધ સમુદાયે પણ આ જમીન પર પોતાનો દાવો કરી દીધો છે. સુપ્રીમકોર્ટમાં બૌદ્ધ સમુદાયના કેટલાક લોકોએ અરજી કરીને દાવો કર્યો છે કે આ વિવાદાસ્પદ જમીન બૌદ્ધોની છે. અહીં પહેલા એક બૌદ્ધ સ્થળ હતું. કોર્ટમાં આ મામલામાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યાના વિવાદાસ્પદ સ્થળે મસ્જિદ પહેલા બૌદ્ધ સ્તૂપ હતું. આ સ્તૂપ બૌદ્ધ લોકોનું મુખ્ય આધ્યાત્મિક ધાર્મિક કેન્દ્ર હતું. બાબરના સેનાપતિ મીર બાકીએ આ સ્તૂપ તોડીને મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું.
વિવાદાસ્પદ સ્થળે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (એએસઆઇ) દ્વારા ચાર વાર કરાયેલા ખોદકામને આધારે આ દાવો કર્યો છે. નોંધનીય છે કે અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચના આદેશથી અયોધ્યામાં છેલ્લીવાર ખોદકામ ૨૦૦૨-૦૩માં કરવામાં આવ્યું હતું. સુપ્રીમકોર્ટમાં આ અરજી ગત સપ્તાહે દાખલ કરાઇ હતી. બંધારણની કલમ ૩૨ (કલમ ૨૫,૨૬,૨૯ની સાથે) હેઠળ તેને એક દીવાની કેસ તરીકે નોંધવામાં આવ્યો છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આ ખોદકામમાં બૌદ્ધકાળના ઘણા અવશેષ મળ્યા હતા. આ અવશેષોને પુરાતત્વ વિભાગે પોતાની થ્યોરી દાખલ કર્યા નથી. આ માહિતી છુપાવવામાં આવી છે.