જામનગર, તા. ર૯
જામનગર શહેરના પટેલ કોલોની સહિત કેટલાક વિસ્તારોમાંથી વીજતંત્ર દ્વારા લગાડવામાં આવેલા કીંમતી વીજ ટ્રાન્સફોર્મરોની ચોરી થઈ હતી. એક-બે નહીં પણ સાડત્રીસ મસમોટા ટ્રાન્સફોર્મર એક પછી એક ચોરાઈ ગયા હતા અને પછી વીજતંત્રએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરી હતી.સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ શખ્સોએ વીજતંત્રના જ તગડો પગાર ખાતા ઈજનેરો અને લાઈન સ્ટાફના નામ આપીને તેમની મીલીભગતથી ચોરી કર્યાનું ખૂલવા પામ્યું હતું.આ પ્રકરણમાં તે પછી વીજતંત્રના વિજિલન્સ વિભાગે આવવું પડ્યું અને વિજિલન્સ વિભાગે પણ તસ્કરોએ જણાવેલા નામો અંગે પુષ્ટિ આપતો રિપોર્ટ આપી દીધો હોવાનું જાણવા મળે છે, જો કે વીજતંત્રમાં ક્યાંક ન ક્યાંક સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયાસો થઈ રહ્યા હોય તેમ વિજિલન્સના રિપોર્ટ સબમીટ કર્યા પછી બે મહિના પછી વીજતંત્રએ આ પ્રકરણમાં સંડોવાયેલા પોતાના ઈજનેરો અને લાઈનમેન સ્ટાફની બદલીના આદેશ કર્યા છે.
ટ્રાન્સફોર્મરોની મોટી સંખ્યામાં થયેલી ચોરી પ્રકરણ જેવી અતિ ગંભીર બાબતમાં વીજતંત્રએ માત્ર બદલીની કાર્યવાહી કરી સમગ્ર ભ્રષ્ટાચારી મામલાને સાવ મામુલી બનાવી દીધો હોય તેમ જણાય છે.