(એજન્સી) દેવબંધ,તા.રપ
આસામમાં એનઆરસીનો અહેવાલ પ્રકાશિત થનાર છે. જેમાં લાખો મહિલાઓની નાગરિકતા પર જોખમ પેદા થાય તેવી શકયતા છે. એવી ચર્ચા છે કે ૪૦ લાખથી વધુ મહિલાઓ પાસેથી મતાધિકાર છીનવી લેવામાં આવશે. આ મુદ્દાને લઈને દિલ્હીમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં મૌલાના અશરદ મદનીએ આપેલા એક નિવેદન બાદ વાતાવરણ ગરમાયું છે. મૌલાના અરશદ મદનીની વિરુધ્ધ આસામના જુદા જુદા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. મૌલાના અરશદ મદનીએ મીડિયા સાથે કરેલી ખાસ વાતચીતના કેટલાક અંશો અહીં રજૂ કરવામાં આવ્યા છે.
પ્રશ્ન : આસામમાં તમારી વિરુધ્ધ કેસ દાખલ થયો છે તેના પર તમારી શું પ્રતિક્રિયા છે ?
• મૌલાના અરશદ મદની : તેને મેં કયાં રદ કરી છે. હું તો મારા ઘરે બેઠો છું. મેં કંઈ રદ કર્યું નથી.
પ્રશ્ન : તો તમારી વિરુધ્ધ કેસ કેમ દાખલ કરવામાં આવ્યા ?
• મૌલાના અરશદ મદની : હું નથી જાણતો મારી વાત મારા સ્થાને યોગ્ય હતી, મારૂં તો એક અનુમાન છે. તેવું કરશો તો આવું થઈ જશે. એ લોકો જેઓ ઉર્દૂ નથી જાણતા, તેમણે તેનો અર્થ એ કાઢયો કે હું આગ ચાંપી દઈશ, મને શું મુશ્કેલી છે તો હું કોઈ ને મારી નાખું કે મરી જાઉ. મારી વાત મારા સ્થાને યોગ્ય હતી. હું મારી વાત પર અડગ છું. જૈસી કરની વૈસી ભરની…
પ્રશ્ન : બદરૂદ્દીન અજમલે તમારા નિવેદનને ખોટું ગણાવ્યું છે. શું તેમની કેસ દાખલ કરાવવામાં કોઈ ભૂમિકા છે ?
• મૌલાના અરશદ મદની : કેસ દાખલ કરાવવા અંગે હું કંઈના કહી શકું પરંતુ તેમનું નિવેદન મેં સાંભળ્યું છે. તેઓ અંદરખાને બીજેપીના સમર્થક છે અને ડરપોક માણસ છે. જો કે, તેઓ ઉર્દૂ જાણે છે, તેઓ રેકોર્ડિંગ સાંભળી લે, વીડિયો દરેક જગ્યાએ છે.
પ્રશ્ન : જો સરકાર તમારી વિરુધ્ધ કોઈ કાર્યવાહી કરવા લાગે તો…
• મૌલાના અરશદ મદનીઃ મેં કહ્યું કે જો તેવું કરવામાં આવશે તો આવું થઈ જશે તો શું તેનો અર્થ એ થયો કે મેં તેવું કરી દીધું હું કંઈ ડરૂં છું ! જયારે મેં કંઈ ખોટું કહ્યું જ નથી. હવે સારી બાબત એ થઈ ગઈ કે આ મુદ્દો બધાની સામે આવી ગયો. જે લોકો ૪૦૦ વર્ષોથી અહીંયા રહે છે. તેમને તમે બાંગ્લાદેશી કહી શકો છો ? તેઓ ભારતીય છે. આ આસામને મ્યાનમાર બનાવવાનું કાવતરૂં છે.