બગસરામાંથી ર૦૦૦ની ૩ર જાલીનોટ સાથે બે ઝડપાયા : ૧૮મી સુધી રિમાન્ડ પર

અમરેલી, તા.૧૦
અમરેલી એલસીબી પોલીસે બગસરામાંથી બે શખ્સોને ૨૦૦૦ની ૩૨ જાલી નોટો સાથે ઝડપી લીધા હતા. અગાઉ અમરેલી એલસીબી પોલીસે ભાવનગરના શખ્સોને કરોડોના જાલીનોટ રેકેટમાં ઝડપ્યા બાદ પોલીસને જાલીનોટના રેકેટમાં બીજી મોટી સફળતા મળી છે. જાલી નોટો સાથે પકડાયેલ એક બગસરાનો અને એક અમરેલીનો શખ્સ હોવાનું અને માર્કેટયાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા હોવાનું ખુલ્યું હતું અને જાલીનોટોનું રેકેટ રાજ્યવ્યાપી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલને જાલીનોટો બજારમાં ફરતી હોવાની બાતમી મળતા અમરેલી એલસીબી પોલીસને સૂચના આપતા ગઈકાલે અમરેલી એલસીબી પીઆઇ એ.પી.પટેલ તથા સ્ટાફના બગસરા ખાતે અમરેલી રોડ ઉપર અમૃત સર્કલ પાસે બાતમી રાહે વોચમાં રહેતા બાતમી મુજબ એક પેશન બાઈક નં જી.જે. ૧૪. એ.સી. ૬૪૫૦ નંબરનું ડબલ સવારીમાં આવતાં તેને રોકી ચેક કરતાં બાઈક ચલાવનાર પ્રતિક જગદીશભાઇ નકુમ (ઉં.વ.૨૫, ધંધો.વેપાર, રહે.બગસરા, કુંકાવાવ રોડ, જૂના જીનપરા, જિ.અમરેલી) તથા તેની પાછળ બેસેલ અનિલભાઇ જયંતિભાઇ રૂપારેલ (ઉં.વ.૪૪, ધંધો.વેપાર, રહે.અમરેલી, ચિત્તલ રોડ, ઓમનગર) વાળો હોવાનું જાણવા મળેલ અને તે બંને ઇસમોની અંગઝડતી કરતા પ્રતિક જગદીશભાઇની અંગઝડતીમાંથી રૂા.૨૦૦૦/-ના દરની બનાવટી નોટ નંગ ૨૦ તથા અનિલ જયંતિભાઇની અંગઝડતીમાંથી રૂા.૨૦૦૦/-ના દરની બનાવટી નોટ નંગ ૧૨ મળી કુલ નોટ નંગ-૩૨, કિં.રૂા.૬૪,૦૦૦/- (ચોંસઠ હજાર)ની કિંમતની બનાવટી નોટો મળી આવતા બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. પૂછરછમાં જાલીનોટોનું રાજ્યવ્યાપી રેકેટ હોવાનું જાણવા મળી છે અને આ રેકેટમાં કંઈક શખ્સોના નામ પણ ખૂલવાની શક્યતા છે પકડાયેલ બંને આરોપીઓ જુદી જુદી માર્કેટયાર્ડમાં વેપારનું કામ કરતા હોવાનું પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે. પોલીસે બંનેને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા કોર્ટે ૧૮ ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે પોલીસ પકડાયેલ બંને આરોપીઓ ક્યાંથી નોટો લાવ્યા હતા અને ક્યાં જાલીનોટો છપાતી હતી અને કોણ મુખ્ય સૂત્રધાર છે તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks