(એજન્સી) બૈરુત, તા.૪
આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના મુખિયા અબુબક્ર અલ બગદાદીનો પુત્ર સીરિયાના હોમ્સ પ્રાંતમાં ચાલી રહેલી અથડામણમાં માર્યો ગયો છે.
ઈસ્લામિક સ્ટેટનો પ્રચાર પ્રસાર કરનાર એજન્સી અમાકે એક નિવેદનમાં કહ્યું હતું કે હોમ્સ પ્રાંતમાં થર્મલ પાવર સ્ટેશન પર નુસાયરિયાહ અને રશિયા સામેના અભિયાનમાં અલ બદ્રીનું મોત થયું છે. આ નિવેદનની સાથે-સાથે અમાકે એક યુવકની તસવીર પણ પ્રસિદ્ધ કરી છે. જેના હાથમાં રાયફલ પણ છે. નુસાયરિયાહ શબ્દનો ઉપયોગ સીરિયાના એક અલ્પસંખ્યક સમુદાય માટે થાય છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ પણ આ જ સમુદાયમાંથી આવે છે. ઈસ્લામિક સ્ટેટે ૨૦૧૪માં ઈરાક અને સીરિયાના મોટા હિસ્સા પર કબ્જો કરી લીધા બાદ શરૂ કરેલા અત્યાચારોના પગલે વિશ્વનું ધ્યાન તેના પર ખેંચાયું હતું. આઈએસના વડા અલ બગદાદીએ પોતાને જીતેલા પ્રદેશનો ખલિફા ઘોષિત કર્યો હતો. જો કે એ પછી ઈરાકી સેનાએ શરૂ કરેલા સશસ્ત્ર સંઘર્ષમાં ઈસ્લામિક સ્ટેટને ઈરાકમાંથી પીછેહઠ કરવી પડે છે. જો કે સીરિયામાં હજી પણ આઈએસના આતંકવાદીઓ અને સીરિયન સેના વચ્ચે અથડામણો ચાલી રહી છે. જો કે બગદાદીના પુત્રના મોતથી સંગઠનને મોટો ફટકો પડ્યો છે. બગદાદી પર અમેરિકાએ ૨.૫૦ કરોડ ડોલરનું ઈનામ જાહેર કરેલું છે.