ગાંધીનગરમાં ભાજપના સભ્યો દ્વારા સામાન્ય સભાનો બહિષ્કાર કરાયો

અમદાવાદ, તા.૩
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગાંધીનગરના મેયર પ્રવિણ પટેલે આજે શુક્રવારે કોર્પોરેશનની સામાન્યસભા બોલાવી હતી. સામાન્યસભા મુલત્વી રાખવા માટે ભાજપના કોર્પોરેટર્સે મેયરને રજૂઆત પણ કરી હતી, પરંતુ મેયર દ્વારા કોઈ નિર્ણય ન લેવાને કારણે ભાજપના સભ્યો નારાજ થયા હતા. જેને પગલે આજે મેયર દ્વારા બોલાવાયેલી સામાન્ય સભાનો વિરોધ કર્યો હતો અને મેયર સિવાય સામાન્યસભામાં એક પણ સભ્ય આવ્યા ન હતા. ગાંધીનગરના મેયર પ્રવિણ પટેલ અને તેમના જ પક્ષના કોર્પોરેટર્સ વચ્ચે છેલ્લા ઘણા સમયથી મતભેદો રહ્યા જે સપાટી પર આવી ગયા છે. હાલના મેયર પ્રવિણ પટેલ અગાઉ કોંગ્રેસમાં હતા અને હવે છેલ્લા ઘણા સમયથી ભાજપ સાથે છે, પરંતુ મહાનગર પાલીકાની બીજી વખત થયેલી ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પ્રવિણ પટેલ રાતોરાત ભાજપમાં આવી ગયા હતા અને મેયર તરીકેનું મનગમતું સ્થાન મળ્યું જેના કારણે ભાજપના જ કેટલાક નેતાઓના પેટમાં ફાળ પડી હતી.
મેયર પ્રવિણ પટેલે મહાનગર પાલિકાની આજે શુક્રવારે સામાન્ય સભા બોલાવી હતી. જે અંગે તેમના જ પક્ષના કોર્પોરેટર્સે થોડા દિવસ પહેલા વિરોધ કર્યો હતો અને કોર્પોરેટર્સ સાથે ચર્ચા કર્યા બાદ સામાન્ય સભા બોલાવવાની વાત કરી હતી. જોકે મેયર પ્રવિણ પટેલે કોર્પોરેટર્સની રજૂઆતને ગંભીરતાથી લીધી ન હતી. આ અંગે ભાજપ શહેર પ્રમુખને પણ મેયરની કામગીરી અંગે રજૂઆત કરવામાં આવી હતી. જોકે શહેર ભાજપ પ્રમુખ દ્વારા પણ કોઈ નિર્ણય લેવાયો કે દરમિયાનગીરી થઈ ન હતી. બીજી બાજુ મેયરે આજે સામાન્યસભા બોલાવી લેતા ભાજપના જ કોર્પોરેટર્સે સામાન્ય સભામાં ન જવાનો નિર્ણય કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks