(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
સમ્રગ દુનિયામાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની મોતના આંકડામાં ભારત પહેલા નંબરે છે. મેડિકલ જર્નલ લૈૅસેટની એક રિપોર્ટ ગ્લોબલ ડીસીઝ બર્ડન સ્ટડી મુજબ આ આંક રજૂ કરવામાં આવ્યા છે.
હાલમાં જ ગોરખપુર મેડિકલ કોલેજમાં કથિત રૂપે ઓક્સિજનની અછતના કારણે થયેલ બાળકોના મોત બાદ મેડિકલ જર્નલ લૈંસેટની રિપોર્ટ જણાવે છે કે,૨૦૧૬માં ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના નવ લાખ બાળકોના મોત થયાં છે. જે વિશ્વમાં સૌથી વધારે છે. આ મામલે ભારત બાદ નાઈજીરિયામાં સાત લાખ બાળકોના મોત નીપજ્યાં છે. જ્યારે કાંગોમાં બાળકોના મોતનો આંકડો ત્રણ લાખ છે. એક રિપોર્ટના હવાલે જણાવવામાં આવી રહ્યું છે કે, ૧૯૭૦ની સરખામણીએ ૨૦૧૬માં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદર ૧કરોડ ૬૪ લાખથી ઘટીને ૫૦ લાખ નોંધાયો છે. જેથી આયુષ્ય દરમાં વધારો થયો છે. હવે મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૭૫.૩ અને પુરૂષોનું સરેરાશ આયુષ્ય ૬૯.૮ વર્ષ છે. જાપાનમાં સરેરાશ આયુષ્ય ૮૩.૯ વર્ષ છે. જે સૌથી વધુ છે તેમજ મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં સૌથી ઓછું ૫૦.૨ છે.
અન્ય એક રિપોર્ટ મુજબ રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ – ૪ અનુસાર ૨૦૧૫-૧૬માં પાંચ વર્ષથી ઓછી વયના દર હજારે બાળકોનો મૃત્યુદર ૭૪થી ઘટીને ૫૦ ટકા થયો છે. ઉત્તરપ્રદેશમાં આ આંક ૭૮ છે. જ્યારે કેરળમાં સાત છે. લૈંસેટના રિપોર્ટ મુજબ છેલ્લા પાંચ દાયકામાં તમામ વયના લોકોના મૃત્યુદરમાં ઘટાડો થયો છે. જોકે, ભારતમાં ભિન્નતા જોવા મળી છે. અમુક સ્થળો પર અમુક વયના લોકોનો મૃત્યુદરમાં વધારો થયો છે. ટાઈમ્સના રિપોર્ટમાં જણાવાયું છે કે,સરેરાશ આયુષ્ય વધવાની સાથે બીમારીઓમાં જીવન વ્યતિત કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. ૨૦૧૬માં કુલ ૩કરોડ ૯૫ લાખ મોતમાંથી ૭૨.૩ ટકા મોત બિનચેપી રોગના લીધે થયા હતા. ઓછી આયુ ધરાવતા દેશોમાં સમય પહેલાં મૃત્યુનું પ્રાથમિક કારણ શ્વાસની બીમારી હતી. વિશ્વમાં હૃદયરોગના કારણે મોતમાં ૨૦૦૬ની સરખામણીએ ૯ ટકા વધારો થયો છે.
તેનાથી ૨૦૧૬માં ૯૪ લાખ ૮૦ હજાર મોત થઈ હતી. જ્યારે ડાયાબિટીસના કારણે મોતમાં ૨૦૦૬ની તુલનાએ ૩૧.૧ ટકા વધીને ૧.૪૩ લાખ થઈ છે. હાલ ડેન્ગ્યુ અને ટીબીના કારણે થનાર મોતમાં પણ વધારો થયો છે.