(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૩૦
જામનગરના રણજીતનગર વિસ્તારમાં એક બ્લોકમાં શોર્ટ-સર્કિટના કારણે આગ લાગતા ઘરવખરી, પાસપોર્ટ તેમજ પચ્ચીસેક તોલાના દાગીના સળગીને ભડથું થઈ ગયા હતા. ફાયરબ્રિગેડે બે ગાડી વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ઉપરાંત મોડીરાત્રે સંકલ્પ રેસ્ટોરન્ટમાં પણ શોર્ટ-સર્કિટથી આગનું છમકલું થયું હતું. જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા જી/પ નંબરના બ્લોકમાં રહેતા વૈજયંતિબેન ભેરાણી નામના મહિલા પોતાના પરિવાર સાથે બહાર ગયા પછી તેઓના બ્લોકમાં શોર્ટ-સર્કિટ થવાથી આગનું છમકલુ થયું હતું જેની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો દોડી ગયા હતા. ફાયરબ્રિગેડે અગ્નિશમન માટે કામગીરી શરૃ કરી હતી પરંતુ તે પહેલા આગ પ્રસરવા લાગતા આજુબાજુના બ્લોકના લોકો પણ દોડીને ઘરની બહાર નીકળી ગયા હતા. ફાયરબ્રિગેડે વારાફરતી બે ગાડી વડે પાણીનો સતત મારો ચલાવતા દોઢેક કલાક પછી આગ કાબૂમાં આવી જવા પામી હતી, પરંતુ તે પહેલા વૈજયંતિબેનના મકાનમાં રહેલા રાચરચીલા જેમાં કબાટ, ગાદલા, ગોદળા, સેટી સહિતનો માલસામાન અને કેટલીક રોકડ રકમ, પાસપોર્ટ તથા અંદાજે પચ્ચીસેક તોલા વજનના સોનાના દાગીના સળગી ગયા હતા. આગની જાણ થતા ચીફ ફાયર ઓફિસર બિશ્નોઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગ બુઝાયા પછી વૈજયંતિબેને અંદાજે ચારેક લાખની નુકસાની થયાનું જણાવ્યું છે.