બળવંતસિંહ રાજપૂતને જીતાડવા મેવાના પાણી મોભે ચઢાવવાની ભાજપની કવાયત

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૮
કોંગ્રેસને છેહ આપી ભાજપમાં જોડાયેલા અને અહમદભાઈ પટેલને હરાવવા રાજયસભાના સાંસદ તરીકે ઉભા રાખેલા બલવંતસિંહ રાજપૂતને ભાજપે ઘડેલી રણનીતિ મેવાના પાણી મોભે ચઢાવવા જેવી સાબિત થઈ શકે છે. કારણ કે કોંગ્રેસ ભલે ભાજપની જેમ સામ દામ દંડની નીતિ ન અપનાવે કે આક્રમકતા ન દેખાડે છતાં પોતાનો બચાવ કરવામાં જરૂર સફળ થશે તેવું જણાઈ રહ્યું છે.
કોંગ્રેસે પોતાના વધુ ધારાસભ્યો ભાજપના દબાણનો ભોગ ન બને તે માટે તેમના ૪પ જેટલા ધારાસભ્યોને બેંગ્લોર જવા રવાના કરી દીધા છે. આ ઉપરાંત એનસીપીના ધારાસભ્ય જયંત બોસ્કી તથા જેડીયુના ધારાસભ્ય છોટુભાઈ વસાવા પણ કોંગ્રેસ સાથે છે અને અહમદભાઈ પટેલને મત આપવાનું નકકી કર્યું છે. જયારે જીપીપીના ધારાસભ્યની નલિન કોટડિયા પણ કોંગ્રેસ સાથે હોવાનું કહેવાય છે આથી બેંગ્લોર ગયેલા કોંગ્રેસના ૪પ ધારાસભ્યો તથા એનસીપી જેડીયુ અને જીપીપીના ત્રણે ધારાસભ્યો ઉમેરવામાં આવે તો ૪૮ ધારાસભ્યોના મત અહમદભાઈ પટેલને મળે આથી અહમદભાઈ પટેલની જીત નિશ્ચિત મનાય છે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ અહમદભાઈ પટેલ વધુ મતથી ૧૦૧ ટકા જીતશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આમ હાલની છેલ્લી પરિસ્થિતિ અને કોંગ્રેસે ઘડેલી રણનીતિ મુજબ જે સમુસુથરૂ પાર પડે તો અહમદભાઈ પટેલની જીત નિશ્ચિત મનાય છે તેમ છતાં આ ગંદુ રાજકારણ છે. લોકોના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોય છે. એટલે સાચી પરિસ્થિતિ માટે ૮ ઓગસ્ટ સુધી રાહ જોવી જ રહી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks