બનારસ હિંદુ યુનિ.માં છેડતી મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

(એજન્સી) વારાણસી, તા.ર૪
ગુરૂવારે સાંજે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના કેમ્પસમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીની છેડતીની ઘટના બાદ છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન ચાલુ છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે કોઈ પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓએ વિરોધ ચાલુ રાખ્યો છે. પરંતુ શનિવારે રાત્રે પ્રદર્શનકારીઓને વાઈસ-ચાન્સેલરના નિવાસસ્થાન તેમજ કેમ્પસના દરવાજા પાસેથી ખસેડવા માટે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવતા ઘણા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો છે કે પોલીસ દ્વારા ચેતવણી આપ્યા વિના લાઠીચાર્જ શરૂ કરવામાં આવ્યો હતો તેમજ તેમની મારપીટ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યા મુજબ પોલીસ દ્વારા મહિલા છાત્રાલયમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરાયો હતો. વિરોધ પ્રદર્શનમાં મોટાભાગે વિદ્યાર્થિનીઓ જોડાઈ હતી પરંતુ ઘટના સ્થળે એક પણ મહિલા પોલીસકર્મી હાજર ન હોવાથી પોલીસ તેમજ વિશ્વ વિદ્યાલયના વ્યવસ્થાતંત્ર પર સવાલ ઊભા થયા છે. પોલીસ સાથેના આ સંઘર્ષમાં વિદ્યાર્થીઓ સાથે-સાથે બે પત્રકારો પણ ઘવાયા છે તેમજ એક વિદ્યાર્થિનીને માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વિશ્વવિદ્યાલયના જનસંપર્ક અધિકારી રાજેશસિંઘે જણાવ્યું કે વિદ્યાર્થીઓ સાથે કેટલાક અસામાજિક તત્ત્વો પણ જોડાઈ ગયા હતા જે યુનિવર્સિટીના વિદ્યાર્થી પણ ન હતા. પ્રદર્શનકારીઓને છૂટા પાડવા માટે કહેવાયું હતું કારણ કે તેમની પાસે ધરણા કરવા માટેની પરવાનગી ન હતી પરંતુ તેઓએ પ્રદર્શન જારી રાખ્યું હતું અને વાઈસ ચાન્સેલરને ગાળો ભાંડવાનું પણ શરૂ કર્યું હતું. કેટલાક અસામાજિક તત્ત્વોએ મહિલા મહાવિદ્યાલયનો પ્રવેશદ્વાર તોડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. નોંધનીય છે કે વિદ્યાર્થીઓએ પોલીસ પર મહિલા મહાવિદ્યાલયમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવાનો આરોપ મૂક્યો છે. હોસ્ટેલ પરત ફરતી વિદ્યાર્થિનીની ગુરૂવારે મોટરબાઈક પર સવાર ત્રણ શખ્સો દ્વારા છેડતી કરવામાં આવી હતી તેણે જણાવ્યું કે જ્યારે તેની સાથે છેડતી થઈ રહી હતી ત્યારે કેમ્પસના સુરક્ષા કર્મીઓ માત્ર ૧૦૦ મીટરની દૂરી પર હતા પરંતુ તેમણે કોઈ પગલા લીધા ન હતા. ત્યારબાદ જ્યારે તેણીએ વોર્ડનને ફરિયાદ કરી ત્યારે વોર્ડને આ મામલાને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરવાને બદલે તેણીને ઉલટ પ્રશ્ન કર્યો કે તે હોસ્ટેલ આટલા મોડેથી કેમ પરત ફરી રહી હતી. વોર્ડનના આ જવાબથી વિદ્યાર્થિનીઓમાં રોષની લાગણી જાગી હતી અને તેમણે વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી. વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે તેમણે અવારનવાર છેડતીનો સામનો કરવો પડે છે. ગઈકાલે રાત્રે પોલીસના આગમન બાદ પથ્થરમારો પણ થયો હતો તેમજ કથિત રીતે પ્રદર્શનકારીઓ દ્વારા ર-૩ દ્વિ-ચક્રિય વાહનોને આગ ચાંપવામાં આવી હતી.
કેમ્પસમાં થયેલી આ અથડામણ બાદ દશેરાની રજાને ર૮મી સપ્ટેમ્બરના બદલે સોમવારથી જ જાહેર કરવામાં આવી છે. આ રજા બીજી ઓક્ટોબર સુધી રહેશે. કેમ્પસમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પીએસી અધિકારીઓ સહિત આશરે ૧પ૦૦ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સાથે વારાણસીની તમામ ડિગ્રી કોલેજો બંધ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે ડિવિઝનલ કમિશનર પાસેથી રિપોર્ટ માગ્યો છે.
બીએચયુ હિંસા : સંકેત મળ્યો હતો કે કેટલાક અસામાજિક તત્ત્વો યુનિ.ના વાતાવરણને ડહોળવા પ્રયાસ કરી રહ્યા છે : કુલપતિ ગીરીશ ત્રિપાઠી

બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં ગઈકાલે રાત્રે વિદ્યાર્થીઓના ઉગ્ર પ્રદર્શનો બાદ હિંસક અથડામણો પછી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો હતો. આ અંગે બીએચયુના કુલપતિ ગીરીશચંદ્ર ત્રિપાઠીએ કહ્યું હતું કે તંત્રને માહિતી મળી છે કે કેટલાંક અસામાજિક તત્ત્વો યુનિ.ના વાતાવરણને હિંસક બનાવવા માંગે છે. માહિતી મુજબ કેટલાક અસામાજિક તત્ત્વો યુનિ.ના વાતાવરણને બગાડવા માંગે છે. બહારના તત્ત્વો પરિસરમાં ઘૂસી આવ્યા હતા અને આંદોલનને ઉગ્ર બનાવવા ઉશ્કેરણી કરી હતી. કેમ્પસમાં શનિવારે શરમજનક લાઠીચાર્જની ટીકા થઈ હતી. સીસીટીવી કેમેરાની માંગ વિચારણા હેઠળ છે. કેટલીક છોકરીઓએ કહ્યું કે સલામતી અંગે યુનિ.એ ખૂબ જ સંવેદનશીલ રહેવું જોઈએ. કુલપતિએ કહ્યું કે અમે તે માટે ઘણા પગલાં વિચારી રહ્યા છે. અમારા એક વિદ્યાર્થી સાથે કમનસીબ બનાવ ઘટ્યો છે. તંત્રએ અગાઉ કહ્યું હતું કે, હાલમાં ચાલતું આંદોલન રાજકીય પ્રેરિત છે. જે વડાપ્રધાન મોદીની વારાણસીની મુલાકાત સમયે ઈરાદાપૂર્વક કરાયું હતું. જે વિદ્યાલયની છાપ ખરાબ કરવા કરાયું છે. ગુરૂવારે ત્રણ બાઈક સવારોએ વિદ્યાર્થિનીઓની મશ્કરી કરી હતી. ત્યારબાદ આંદોલન ભભૂકી ઉઠયું હતું. પોલીસે કહ્યું કે બીએચયુમાં ઘણા સમય પછી પહેલીવાર દેખાવો થયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks