National

બનારસ હિન્દુ યુનિ.ની હિંસામાં ન્યાયિક તપાસના આદેશ

લખનઉ, તા. ૨૬
શનિવારે રાતે અને રવિવારે બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ) કેમ્પસમાં હિંસા બાદ પોલીસ દમનની ઘટનામાં ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે આ હિંસામાં વિદ્યાર્થીનીઓ સહિત ઘણા લોકો ઘવાયા હતા. ઉત્તરપ્રદેશના મંત્રી અને સરકારના પ્રવક્તા શ્રીકાંત શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે, તપાસના રિપોર્ટના આધારે જે લોકો દોષિત છે તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને સ્થિતિને ઉકેલવા જણાવ્યું હતું અને કેમ્પસમાં શાંતિ સ્થાપવા કહ્યું હતું. યુનિવર્સિટી કેમ્પસમાં છેડતીની વધી રહેલી ઘટનાઓ વિરૂદ્ધ ઉપકુલપતિના નિવાસ આગળ દેખાવો કરી રહેલી સેંકડો વિદ્યાર્થીનીઓ પર પોલીસના દમન બાદ કેમ્સમાં હિંસા ભડકી ઉઠી હતી. હિંસા બાદ એડિશનલ સિટી મેજિસ્ટ્રેટ, ભેલપુરના સર્કલ અધિકારી અને લંકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત ત્રણ વરિષ્ઠ અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી હતી.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં બનેલા ઘટનાક્રમ અંગે મૌન તોડતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી હતી અને આ મામલે તરત ઉકેલ લાવવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ કોંગ્રેસ અને વિપક્ષી દળો તથા વિદ્યાર્થી સંગઠનોએ ઘટનાની આકરી નિંદા કરતા બીએચયુના કુલપતિને તરત સસ્પેન્ડ કરવા અને ઘટના અંગે સુપ્રીમ કોર્ટના જજ પાસે તપાસની માગ કરી હતી. મોદી ઉપરાંત યોગીને અમિત શાહે પણ આ અંગે વાત કરી હતી અને યોગ્ય પગલાં ભરવા કહ્યંુ જ્યારે યોગીએ પણ યોગ્ય પગલાં ભરવા આશ્વાસન આપ્યું હતું. ઘટનાના વિરોધમાં રાજસ્થાનમાં પણ કેટલાક વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંગઠનોએ પ્રદર્શનો કર્યા હતા.

BHUના વીસીની નિર્લજ્જતા : ‘દરેક છોકરીની વાત સાંભળીશું તો આટલી મોટી યુનિવર્સિટી નહીં ચાલે’

બીએચયુના વાઇસ ચાન્સેલર ગિરિશચંદ્ર ત્રિપાઠીએ દાવો કર્યો છે કે, બનારસ હિંદુ યુનિવર્સિટીમાં શારીરિક છેડતીની ઘટનાને બહારના લોકોએ અંજામ આપ્યું હતું જેમની નજર વારાણસીમાં વડાપ્રધાનના પ્રવાસ પર હતી. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. હું આ અંગે ઉદાસ છું પરંતુ ક્યારેક મુદ્દા હોય છે અને ક્યારેક મુદ્દા બનાવાય છે. આ મુદ્દો બનાવાયો હતો અને મને લાગે છે કે, કેટલાક બહારના લોકોએ તેને મુદ્દો બનાવ્યો હતો. ઘટનાઓ તો બની જાય છે. પરિસરમાં અહીં ૧૦૦૦ વિદ્યાર્થીનીઓ છે. અમે હોસ્ટેલમાં તેમની સુરક્ષા નક્કી કરી શકીએ છીએ. અમે દરેક છોકરીઓ માટે ગાર્ડ રાખી શકતા નથી અને દરેક છોકરીઓની વાત સાંભળવા જઇશું તો આટલી મોટી યુનિવર્સિટી ચાલી શકશે નહીં.
છેડતીમાં રાષ્ટ્રવાદ : યુઝર્સની ઓનલાઇન અરજીમાં BHUના વીસીને હટાવવા માગ

બીએચયુમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જથી નારાજ લોકોએ ઓનલાઇન અરજી પર હસ્તાક્ષર કરી બીએચયુના વાઇસ ચાન્સેલરને હટાવવાની માગ કરી હતી. અરજીમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને માનવ સંસાધન મંત્રીને ટેગ કરીને એવી અપીલ કરવામાં આવી હતી કે યુનિવર્સિટીના ઉપકુલપતિ ગિરિશ ચંદ્ર ત્રિપાઠીએ જ્યારથી પદ સંભાળ્યો છે ત્યારથી દિન પ્રતિદિન યુનિવર્સિટી કોઇને કોઇ કારણોસર નકારાત્મક સમાચારોને લઇ ચમકતી રહી છે. અરજીમાં લખાયું છે કે, દિનપ્રતિ દિન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પ્રત્યે લિંગ ભેદ, તેમની છેડતીની ઘટનાઓ વધતી જઇ રહી છે અને યુનિવર્સિટીનું પ્રોક્ટોરિયલ બોર્ડ આંખો બંધ કરીને બધંું ચલાવી રહ્યું છે. આ ઘટનામાં સુરક્ષા અધિકારીઓની કેટલેક દૂર એક વિદ્યાર્થીનીની ત્રણ વિદ્યાર્થીઓએ છેડતી કરી જ્યારે તેમની ફરિયાદ પણ સાંભળવામાં આવી નહોતી. ઘટના બાદ વિદ્યાર્થીનીઓ પોતાની સુરક્ષા માટે પ્રદર્શનો કરી રહી છે.

વારાણસીના કમિશનરે મુખ્ય સચિવને રિપોર્ટ સોંપ્યો, યુનિવર્સિટી તંત્રને જવાબદાર ગણાવ્યું

બનારસ હિંદુ યુનિવર્સિટી હિંસામાં વારાણસીના કમિશનર નિતિન ગોકર્ણે મંગળવારે પોતાનો રિપોર્ટ સોંપી દીધો હતો. આ રિપોર્ટમાં તેમણે યુનિવર્સિટી વહીવટીતંત્રને જવાબદાર ગણાવ્યંુ હતું. રિપોર્ટમાં જણાવાયું હતું કે, બીએચયુ તંત્રે પીડિતાની ફરિયાદને ગંભીરતાથી લીધી નહોતી અને સમયસર સમાધાન કર્યું નહોતું. રિપોર્ટમાં એમ પણ જણાવાયું હતું કે, જો સમયસર આ ઘટનાને ઉકેલી લેવાઇ હોત તો મોટો વિવાદ સર્જાયો ન હોત.રિપોર્ટમાં સૌથી વધુ દોષિત વહીવટીતંત્રને જ ગણાવ્યું હતું. દરમિયાન બીએચયુના ઉપકુલપતિ ગિરિશચંદ્ર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, પરિસરમાં વિદ્યાર્થીનીઓ પર લાઠીચાર્જ કરાયો નથી. કાર્યવાહી એવાલોકો પર કરવામાં આવી છે જેઓ યુનિવર્સિટીની સંપત્તિને નુકસાન કરવા માગતા હતા. આ લોકો પેટ્રોલ બોમ્બ ફેંકી રહ્યા હતા અને પથ્થરમારો કરી રહ્યા હતા.