બનાસકાંઠામાં પૂરથી અસરગ્રસ્ત લોકોની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી

અમદાવાદ,તા.૩૧
અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત બનેલા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખારિયા અને થરાની મુલાકાત લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરિવારજનો અને અસરગ્રસ્તોને મળી ખબર અંતર પૂછી મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી આપત્તિના આ કપરા સમયમાં સરકાર તેમની પડખે હોવાનો વિશ્વાસ આપ્યો હતો. ખારિયા પહોંચીને મુખ્યમંત્રીએ બોટમાં બેસીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અસરગ્રસ્તો સાથેની મુલાકાતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા સો વર્ષમાં ન જોયું હોય તેવું પૂરતાંડવ બનાસકાંઠામાં આ વર્ષે કમનસીબે આવ્યું હતું. તેમણે કહ્યું કે રાજય સરકારે અગમચેતીના પગલાઓ લઈ લોકોને સાવધ કર્યા હતા. તેમજ વિશાળ સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું પરિણામે મોટી દુર્ઘટના નિવારી શકાઈ છે. પૂરની પરિસ્થિતિમાં તાકીદે એનડીઆરએફ આર્મી, હેલિકોપ્ટરો, વહીવટીતંત્ર વગેરે દ્વારા યુધ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેનાથી ૮,૦૦૦ કરતા વધુ લોકોને બચાવી શકાયા છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે અસરગ્રસ્તોને ઝડપથી સહાય આપવા અને જિલ્લામાં પૂર્વવત પરિસ્થિતિના નિર્માણ માટે હું અને સચિવો પ દિવસ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં રોકાણ કરીશું તેમણે કહ્યું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂર્વવત પરિસ્થિતિનું નિર્માણ કરવામાં જે ખર્ચ કરવો પડે તે કરવામાં કોઈ કચાશ રખાશે નહીં તેમણે જણાવ્યું કે ગુજરાતનો સ્વભાવ છે કે આપત્તિનો મકકમ મુકાબલો કરીને નવસર્જન કરવું. ધાનેરા પહોંચતા પહેલા માર્ગમાં રેલ નદીનો પુલ આવે છે. રેલ નદીના પટમાં ગ્રામીણ નાગરિકો મુખ્યમંત્રીને મળવા મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. માર્ગ પરથી પસાર થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ નદીના પટમાં ધ્યાન ગયું. તેમણે તુરંત જ પોતાનું વાહન થોાભાવીને પુલ પર ઉભા ઉભા જ ગ્રામીણ નાગરિકોનું અભિવાદન ઝીલીને તેમની સાથે વાત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થરાદ તાલુકાના નાગલા ગામે પૂરરાહત કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે આ આપત્તિ વેળાએ આખું ગુજરાત બનાસકાંઠાની પડખે છે. તેમણે લોકોના જુસ્સા અને ખુમારીને બિરદાવીને કહ્યું કે ખમીરવંતા બનાસકાંઠાના ખડતલ ખેડૂતો પોતાના ખેતરોમાં ફરીથી ખુમારીપૂર્વક કામ કરી શકે. તે માટેની તમામ વ્યવસ્થા અને મદદ ખૂબ જ ઝડપથી પૂરી પાડવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks