બનાસકાંઠામાં ધરા ધ્રૂજી : ૪.૩ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ

અમીરગઢ, ડીસા, પાલનપુર, ધાનેરા ઈકબાલગઢ સહિતના સ્થળોએ ૧૦થી ૧ર સેકન્ડ સુધી આંચકા અનુભવાયા : ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ડીસાથી ઉત્તર-પશ્ચિમ ૩ર કિ.મી. દૂર ધાનેરા નજીક

 

 

અમદાવાદ, તા.૧૩

બનાસકાંઠા જિલ્લાના અનેક સ્થળોએ તેમજ માઉન્ટ આબુ સહિતના પંથકમાં સોમવારના રોજ બપોરના સુમારે ધરા ધ્રુજી ઉઠી હતી. રીકટર સ્કેલ પર ૪.૩ની તિવ્રતાના ભૂકંપના આંચકાને લીધે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તેમજ લોકોમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ૧૦થી ૧ર સેકન્ડ સુધી ચાલેલા આ આંચકામાં જોકે કોઈ જાન-હાનિ થયાની વિગતો સાંપડી નથી પણ ભૂકંપના આ આંચકાએ લોકોના જીવ અદ્ધર કરી નાખ્યા હતા.

સોમવારના રોજ બપોરના ૩.પ૦ કલાકે એક તરફ લોકો ધૂળેટીનો તહેવાર મનાવી રહ્યા હતા જ્યારે બીજી તરફ કેટલાક લોકો સૂઈ રહ્યા હતા. ત્યારે રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ડીસા, પાલનપુર, ધાનેરા, થરાદ, અમીરગઢ, ઈકબાલગઢ, પાંથાવાડા, દાંતીવાડા તેમજ માઉન્ટ આબુના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યારે કેટલીક જગ્યાએ લોકોએ હળવા ધડાકા પણ સાંભળ્યા હતા. રીકટર સ્કેલ પર ૪.૩ની તિવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્ર ડીસાથી ૩ર કિ.મી. ઉત્તર-પશ્ચિમ  હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપને પપગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ઘરમાં બાંધેલા તોરણ અને પંખા પણ ભૂકંપના આંચકાને પરિણામે ઝુલતા થઈ ગયા હતા. જ્યારે કેટલાક કાચા મકાનોમાં તીરાડો પણ પડી ગઈ હતી. ભૂકંપના આંચકાના પરિણામે ૧૦થી ૧ર સેકન્ડ સુધી ધ્રુજારી જોવા મળી હતી. જેને પરિણામે લોકોમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકો કલાકો સુધી બહાર ઊભા રહ્યા હતા અને ઘરોમાં જવાનું ટાળ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts