(સંવાદદાતા દ્વારા) ડીસા, તા. ર૪
જુલાઈ ૨૦૧૭નો એ દિવસ જ્યાં લોકોને કલ્પના પણ નહીં હોય કે વિનાશક પૂરના પાણી જિલ્લાને તહસનહસ કરી નાખશે. ભયાનક પૂરે માનવ અને પશુ જિંદગી છીનવી લીધી, ખેડૂતોના આખે આખા ખેતર અને ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકો બેઘર બની કુદરત સામે લાચાર બની ગયા, ગામ તબાહ થયા, કોઈના આશિયાના તો કોઈના ખેતર તણાયા, તબાહીનું મંજર એવું તો ફરી વળ્યું કે અડધો જિલ્લો પૂરના પ્રકોપનુ ભોગ બન્યું. ત્યારે આજનો દિવસ યાદ કરી લોકોના રૂવાટાં પણ ખડા થઈ ગયા છે. જો કે, કુદરતે તો થપાટ મારી પણ સરકારે પણ ક્રૂર મજાક કરી હોય તેમ હજુ સહાય માટે પણ લોકોને લડવું પડી રહ્યું છે. એક વર્ષે પણ એવા કેટલાક એવા કામો છે જે થઇ શક્યા નથી. અનેક એવા દૃશ્યો છે જે ભયાનક તબાહીની ગવાહી પુરી રહ્યા છે. મુખ્યમંત્રી પણ બનાસકાંઠામાં ધામા નાખ્યા હતા. છતાં હજુ પણ આ વિસ્તારોમાં કાટમાળ પણ હટાવવાનો તંત્ર પાસે સમય નથી.
વાવ તાલુકાના નાળોદર ગામમાં પાણીની ટાંકી પૂરમાં તૂટી ગઇ હતી. ઉપરાંત પાણીની એક ટાંકી જમીનમાંથી ઊખડી છક ખેતરમાં તણાઈ ગઈ હતી અને પ્રાથમિક શાળાની દિવાલ પણ તૂટી હતી જે હજુ જેમની તેમ છે. તે બાબતે કોઈનું ધ્યાન ગયું નથી. કેનાલોમાં માટી ભરાયેલી છે, કેનાલો ક્ષતિગ્રસ્ત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, પૂર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાને ૫૦૦કરોડનું વિશેષ પેકેજ આપવાની જાહેરાત કરાઇ હતી. જો કે, તેનો એક પણ રૂપિયો આ જિલ્લાને મળ્યો નથી. ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે જણાવ્યું હતું કે પૂર દરમિયાન ૧૫થી ૨૦ ફૂટ સુધી પાણી માર્કેટયાર્ડમાં ચાલ્યું હતું. બાદમાં મુખ્યપ્રધાને મુલાકાત લેતા જાહેરાત કરાઇ હતી કે, ૧૨ ટકા વ્યાજ ચૂકવીશુ પરંતુ હજુ સુધી માંગ પૂરી થઈ નથી.