
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રપ
રાજ્યમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અને તેમાંય બનાસકાંઠા જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે સર્જાયેલી વિનાશક પરિસ્થિતિની સમીક્ષા કરી રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. એ માટે ડીસાને એરબેઝ બનાવી વાયુસેનાના ચાર હેલિકોપ્ટર્સ, લશ્કરની બે કોલમ અને એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં જોતરાઈ ગયા છે. હેલિકોપ્ટર્સ મારફતે જ ફૂડ પેકેટસ પણ પહોંચાડાઈ રહ્યા છે. એનડઆરએફની કુલ ૧૮ ટીમો ગુજરાતમાં વિવિધ જિલ્લામાં કાર્યરત છે. જે પૈકી ૮ ટીમો બનાસકાંઠા જિલ્લાના પૂરમાં ફસાયેલા લોકોને બચાવવાના કામમાં જોતરાયેલા છે. છેલ્લા ર૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા ૧ હજારથી વધુ લોકોને બચાવાયા છે તો ૪૬ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસતારોમાં ખોરાક અને પાણી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર, મહેસાણા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી ૬ લાખ જેટલા ફૂડ પેકેટ્સ અને પીવાના પાણીના પાઉચ રવાના કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના જગાણા ખાતે રાહત સામગ્રીનો મુખ્ય ડેપો બનાવવામાં આવ્યો છે. જ્યાં તમામ રાહત સામગ્રી પહોંચાડીને ત્યાંથી આવશ્યક્તા અનુસાર જે-તે વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવા વહીવટીતંત્રએ સુવ્યવસ્થિત આયોજન કર્યું છે.
બનાસકાંઠા જિલ્લાના ૪૭ર ગામોમાં અત્યારે વીજ પુરવઠો ખોરવાયો છે. સબ સ્ટેશનોમાં પાણી ભરાતા ક્યાંક સલામતીના કારણોસર વીજ પુરવઠો બંધ છે. પાણી ઓસરતાં તુરંત જ વીજપુરવઠો યથાવત થઈ જાય તે માટે તંત્ર સાબદું છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈ-વેને સારૂં એવું નુકસાન થયું છે. ક્યાક માર્ગ પર પુરના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ છે. આમ ગુજરાતના અત્યારે ૬ નેશનલ હાઈવે, ર૦ સ્ટેટ હાઈવે, અને ૬૧ અન્ય માર્ગો તથા ર૮૭ પંચાયત હસ્તકના સહિત કુલ ૩૭૪ માર્ગો પર વાહનવ્યવહાર બંધ છે. વરસાદના પાણી ઓસરતાં વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ જશે. જે જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યાં ક્ષતિગ્રસ્ત માર્ગોને રિપેર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગુજરાતના જળાશયોની સ્થિતિ અંગે પણ ચિંતા નહીં કરવા નાયબ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સીપુ ડેમ સહિત તમામ બંધો અને જળાશયો સલામત અને સુરક્ષિત છે. સોમવારે રાત્રે માઉન્ટ આબુ પર દિવસ દરમિયાન ૩૦ ઈંચથી વધુ વરસાદ પડતા સીપુ ડેમમાં ૩,પ૦,૦૦૦ ક્યુસેક પાણીની આવક થઈ હતી. બહું મોટી માત્રામાં એકાએક પાણી આવતા સીપુ ડેમની ડાબા કાંઠાની પ્રોટેકશન દીવાલમાં સામાન્ય નુકસાન થયું હતું. જેની મરામતની કામગીરી પણ રાત્રે જ શરૂ થઈ ગઈ હતી. આ નુકસાનને લઈ સીપુ ડેમની સલામતી સામે કોઈ ચિંતા નથી.