વિરોધ બાદ મરાઠા સંગઠનો દ્વારા મુંબઇ બંધ પાછો ખેંચાયો

(એજન્સી) મુંબઇ,તા. ૨૫
મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે શિક્ષણ અને નોકરીઓમાં અનામતની માગણી માટે દબાણ કરવા બંધ અમલી બનાવનાર મરાઠા ક્રાંતિ મોરચાએ રાજ્યમાં વિભિન્ન સ્થળે દિવસ દરમિયાન સર્જાયેલી હિંસાને કારણે મુંબઇ શહેરમાં બંધનું એલાન પાછું ખેંચી લીધું છે. જોકે, મુંબઇની આસપાસના વિસ્તારોમાં દેખાવકારોએ બંધ ચાલુ રાખ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે સરકાર મરાઠા સમુદાય સાથે મંત્રણા કરવા માટે તૈયાર છે. દિવસ દરમિયાન મુંબઇ-પુણે હાઇવે અને ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સહિત મહત્વના હાઇવે દેખાવકારો દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા હતા. બંધના સમર્થકોએ બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવી હતી. જોગેશ્વરી અને થાણે નજીક લોકલ ટ્રેનના રૂટ્‌સ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. ઔરંગાબાદમાં એક દેખાવકાર દ્વારા મંગળવારે આત્મહત્યા કરવામાં આવ્યા બાદ રાજ્યના વિભિન્ન ભાગોમાં હિંસક ઘટનાઓ સર્જાઇ હતી. બુધવારે પણ રાજ્યના ઘણા ભાગોમાં મરાઠા આંદોલનની અસર જોવા મળી હતી. ઘણા સ્થળોએ દેખાવો હિંસક થઇ જતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી અને હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો.
મરાઠા વિરોધ અંગે મહત્વના ૧૦ અપડેટ્‌સ
૧. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મરાઠા ક્રાંતિ મોરચાએ મુંબઇ બંધનું એલાન પાછું ખેંચી લીધું છે જ્યારે અન્ય એક સંગઠન સકલ મરાઠા સમાજે બુધવારે નવી મુંબઇ અને પનવેલમાં બંધનું એલાન આપ્યું હતું.
૨. મરાઠા સમુદાયના વિરોધની સરકારે નોંધની લીધી છે અને ઘણા નિર્ણયો લીધા છે. સરકાર મરાઠા સમુદાય સાથે મંત્રણા કરવા તૈયાર છે. મરાઠા સમુદાય માટે કાયદો બનાવવામાં આવ્યો હતો પરંતુ બોમ્બે હાઇકોર્ટ દ્વારા તેના પર સ્ટે મુકવામાં આવ્યો હોવાનું મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે.
૩. મુંબઇથી આશરે ૨૦ કિલોમીટર દૂર આવેલા નવી મુંબઇમાં વિરોધ ચાલુ છે. નવી મુંબઇના એક મહત્વના વિસ્તાર કલમબોલીમાં મુંબઇ-પુણે એક્સપ્રેસવે પર બેસી ગયેલા દેખાવકારો પર કાબૂ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ કરવા અને ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.
૪. નવી મુંબઇમાં બે બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દેખાવકારોએ ઘણા વિસ્તારોમાં બળજબરીથી દુકાનો બંધ કરાવી હતી. રાયગઢ જિલ્લાના કમોથેમાં દેખાવકારો શેરીઓમાં ઉતરી પડ્યા હતા અને દુકાનો બંધ કરાવી હતી તેમ જ એક બાઇક રેલી યોજી હતી.
૫. સવારે દેખાવકારોએ સૌૈથી વ્યસ્ત રહેતા અને સૌથી મહત્વના માર્ગોમાંના એક ઇસ્ટર્ન એક્સપ્રેસ વે પર મુંબઇ તરફ જતા વાહનો અટકાવી દીધા હતા. સાયન પનવેલ હાઇવે પણ સંપૂર્ણપણે બ્લોક કરી દેવામાં આવ્યો હતો.
૬. ઔરંગાબાદના દેવગાંવ રંગારીમાં મંગળવારે ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર ત્રીજો દેખાવકાર જગન્નાથ સોનાવણેનું બુધવારે હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે.
૭. મુંબઇ નજીક થાણેના વિભિન્ન ભાગોમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના લગાવવામાં આવેલા પોસ્ટર્સ ફાડી નાખવામાં આવ્યા હતા. અનામતના મુદ્દા ઉપરાંત સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં આવેલા એક મંદિરના દર્શન કરવા માટે ફડણવીસ જવાના હતા. ફડણવીસના મંદિરના દર્શન દરમિયાન મરાઠા સમુદાયના કેટલાક સભ્યો હિંસા ભડકાવવાનું કાવતરૂ કરી રહ્યા હોવાના ફડણવીસના આક્ષેપથી મરાઠા ક્રાંતિ મોરચા અપસેટ થયો છે.
૮. સોમવારે ૨૮ વર્ષીય કાકાસાહેબ દત્તાત્રેય શિંદેએ ગોદાવરી નદીમાં કુદીને આત્મહત્યા કર્યા બાદ મરાઠા સમુદાયનો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ઓચિંતા હિંસક બની ગયું હતું. બીજા દેખાવકારે ઔરંગાબાદમાં એક પુલ પરથી ભૂસ્કો મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે ગંભીર રીતે ઘવાયો છે.
૯. પોલીસ સાથે દેખાવકારોની અથડામણ થતાં કરાયેલા પથ્થરમારામાં એક કોન્સ્ટેબલનું મોત થયું છે અને અન્ય ૯ પોલીસવાળા ઘવાયા છે. દેખાવકારોએ વાહનોને આગ ચાંપી હતી.
૧૦. રાજ્યની વસતીમાં રાજકીય રીતે વગ ધરાવતા મરાઠા સમુદાય માટેના ક્વોટા આશરે ૩૦ ટકા છે. આ ક્વોટા ભારે વિવાદાસ્પદ મુદ્દો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks