(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા. ૧૨
દેશભરમાં અત્યારે જે રીતે અનામતને નાબૂદ કરવાનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. તેમજ લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. એટલે દેશમાં રાજકીય આતંકવાદ ચાલી રહ્યો છે. તેમજ બંધારણને બદલવા માટે ભાજપ સરકાર દ્વારા રચાઈ રહેલા ષડયંત્રને લીધે બંધારણ બચાવવા રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિના નેજા હેઠળ તા.૧પ ઓક્ટોબરે અમદાવાદમાં જાહેરસભા યોજાશે. એમ બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ રાવ આંબેડકરે જણાવ્યું હતું.
બંધારણ બચાવવા તા.૧પ ઓક્ટોબરે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ કોલેજની પાછળના ભાગે આવેલા એમ.એસ.ગ્રાઉન્ડમાં બપોરે ૧ર વાગ્યે બંધારણ બચાવો સંમેલન યોજાશે. જેમાં અધ્યક્ષ સ્થાને ડૉ.બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર બાબાસાહેબ પ્રકાશ આંબેડકર હાજર રહેશે. આ અંગે અમદાવાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રકાશ રાવ આંબેડકરે જણાવ્યું હતું કે, જાતિવાદના નામે આદિવાસી દલિતો સાથે અન્યાય, ભેદભાવ, અત્યાચાર, સામૂહિક હુમલાઓ અને હત્યાઓની પરંપરા વર્ષોથી ચાલી રહી છે.
તાજેતરમાં ગુજરાતમાં ઉનામાં દલિતો પર અત્યાચાર, લિંબોદરામાં મુછ રાખવા બાબતે દલિત યુવાન પર અમાનુષી અત્યાચાર, ગરબા જોવા ગયેલા દલિત યુવાનની હત્યા જેવા અનેક અત્યાચારો દલિતો ઉપર થઈ રહ્યા છે. જેના લીધે દલિત અને વંચિત સમુદાય ભયના ઓથાર હેઠળ અસલામતી અનુભવી રહ્યા છે. દેશમાં બંધારણ મુજબ દલિતોને સમાન તક આપવાની જોગવાઈઓ પૂરતા પ્રમાણમાં લાગુ કરવામાં આવી નથી ત્યાં તો ભારતના રૂઢિચુસ્ત ધાર્મિક અને રાજકીય કટ્ટરવાદી નેતાઓ અને આ નેતાઓને આધિન ભાજપ સરકાર અનામત વિરોધી અને બંધારણ વિરોધી વાતાવરણ ઊભું કરી અનામત રદ કરવા અને બંધારણની સમીક્ષા કરવા બાબતે ભાષણોમાં જાહેર કર્યું હતું અને બંધારણના મૂળભૂત તત્ત્વોનો નાશ કરવાનું કોઈ કાવતરૂં ઘડી કાઢયું હોય તેવું સ્પષ્ટ લાગે છે એટલે બંધારણ બદલવા માગતી વર્તમાન ભાજપ સરકારને હટાવવા માટે અમે મેદાને આવીશું. આજે દેશમાં સરકાર વિરૂદ્ધ લખનારા પત્રકારોની હત્યા થઈ રહી છે અને મીડિયાનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. સરકાર કે ધારાસભ્ય વિરૂદ્ધ બોલનારા વ્યક્તિના ઘરે પોલીસ પહોંચી જાય છે. એટલે દેશમાં આજે રાજકીય આતંકવાદ ચાલી રહ્યો છે.
ત્યારે રાજકીય આતંકવાદ અને બંધારણ બદલવા માંગતી ભાજપ સરકારની વિરૂદ્ધમાં બંધારણ બચાવો સંમેલન તા.૧પ ઓક્ટોબરે અમદાવાદમાં યોજાશે.
વધુમાં પ્રકાશ રાવે કહ્યું હતું સંઘના વડા ઓટોમેટીક હથિયારોની પૂજા કરતા હોય તેવા ફોટા જાહેર કરવામાં આવે છે પરંતુ તેની સામે તપાસ થતી નથી. એટલે લોકોને ડરાવવાનો માહોલ ઊભો થઈ રહ્યો છે. આરએસએસ સંસ્થા કોઈપણ સરકારી રજિસ્ટ્રેશનમાં નોંધાયેલી નથી એટલે આરએસએસ સંસ્થા પોતાને કાયદો અને વ્યવસ્થાની ઉપર માને છે. દેશમાં જે રીતે ભયનો માહોલ ઊભો કરી બંધારણ બદલવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે તેને જોતા બંધારણ બચાવવું એ આપણી નૈતિક ફરજ છે અને અમે તે ફરજ ચોક્કસ નિભાવીશું એમ પ્રકાશ રાવ આંબેડકરે જણાવ્યું હતંુ.