(એજન્સી) તા.૧૪
જ્યારે મ્યાનમારમાં ફાટી નીકળેલી હિંસાને પગલે રોહિંગ્યા મુસ્લિમો બીજા દેશોમાં શરણ મેળવવા માટે મોહતાજ બન્યા છે ત્યારે સૌથી પહેલા બાંગ્લાદેશના નાગરિકો તેમની વહારે આવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બાંગ્લાદેશની સરહદે નાફ નદી ક્રોસ કરીને આવી પહોંચેલા રોહિંગ્યા મુસ્લિમોને બાંગ્લાદેશના નાગરિકો પણ હવે સ્વૈચ્છિક રીતે મદદ પૂરી પાડી રહ્યાં છે. અહીં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં રોહિંગ્યા મુસ્લિમો આવી પહોંચ્યા છે. આ એક પ્રકારે શરણાર્થી હોમ તરીકે બની ગયું છે. બાંગ્લાદેશની નાગરિકોને સરકારે અપીલ કરી હતી કે જેનાથી જે કાંઈ બનતું હોય તેટલી શક્ય મદદ કરે. તમને જણાવી દઈએ કે એમ પણ બાંગ્લાદેશ પણ એક રીતે ગરીબ દેશોની યાદીમાં જ સામેલ છે. અહીં લઘુમતી સમુદાયના નાગરિકો પણ વસે છે. તે માટે જ તુર્કીએ પણ બાંગ્લાદેશને અપીલ કરી હતી કે તે રોહિંગ્યા મુસ્લિમોને મદદ કરે અને તેનો સંપૂર્ણ ખર્ચ તુર્કી ભોગવવા તૈયાર છે.
બાંગ્લાદેશે આ મામલે ભારત ઓછું કરવા માટે દેશના લોકોને અપીલ કરી છે કે તમે પણ મદદ માટે આગળ આવો અને સરકારની મદદ કરો જેથી રોહિંગ્યા મુસ્લિમોને ભાઈચારા જેવું વાતાવરણ મળે અને તેઓ પોતાને સુરક્ષિત અનુભવે.
મંગળવારે મળેલા એક મીડિયાના અહેવાલો મુજબ મ્યાનમાર અને બાંગ્લાદેશની સરહદે રોહિંગ્યા શરણાર્થીઓની મદદે લોકો સ્વૈચ્છિક રીતે આગળ આવી રહ્યાં છે. જોકે અગાઉથી જ સહાયક એજન્સીઓ આ કાર્ય માટે આગળ આવી હતી અને પોતાની રીતે પોલીસ સાથે મળીને શરણાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહી છે.
એક ૧૨ વર્ષીય સજ્જાદ હસને જણાવ્યું કે સરહદી વિસ્તારમાં આવેલા તેકનાફ શહેરમાં તેના કાકાનું ઘર હવે એક રસોડામાં ફેરવાઈ ગયું છે જ્યાં ૨૪ કલાક માટે રોહિંગ્યા મુસ્લિમોને ભોજન પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. અહીં હસન સાથે ડઝનેક વોલેન્ટિયર સ્વૈચ્છિક રીતે ભોજન પેક કરવાનું અને શરણાર્થીઓને ગરમા ગરમ ભોજન પૂરું પાડવાનો પ્રયાસ કરે છે.
તે કહે છે કે આ લોકો મુસ્લિમ છે અને તેઓ અન્ય દેશમાંથી શરણ લેવા આવ્યા છે અને આ માટે જ અમે તેમની મદદ કરી રહ્યાં છીએ. તેઓ ઘણી દૂરથી આવ્યા છે તેમની પાસે કંઈ જ નથી, તેઓ ઘણી તકલીફમાં છે એટલા માટે અમે મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હું ગર્વ અનુભવું છે અને હું તેમના માટે શક્ય તેટલી મદદ કરવા માગું છું. જોકે રોહિંગ્યા કહે છે કે સરહદી બાંગ્લાદેશ વિસ્તાર ચિંતાગોગ સાથે અમારા જૂના સંબંધો અને કરારો ચાલે છે. એક રોડ પર નાનકડી છત નીચે દુકાન ચલાવતો અબ્દુલ ખાલેક કહે છે કે રોહિંગ્યા મુસ્લિમોમાંથી ઘણા લોકો મારી દુકાને આવે છે. તેમાંથી ઘણાં લોકો જમે છે અને ત્યારબાદ તે કહે છે કે તેમની પાસે પૈસા પણ નથી. તેને હું મન પર નથી લેતો અને હું તેમને મુસ્લિમ ભાઈ સમજીને જમાડું છું ત્યારબાદ તેમને ચિંતા ન કરશો કહીને જવા દઉં છું.
તે કહે છે ઘણાં ખરાં રોહિંગ્યા ભૂખ્યા છે તેમને બે ટાઈમનું જમવાનું નથી મળી રહ્યું. દિવસો મુશ્કેલીમાં પસાર થઈ રહ્યાં છે આ લોકો માટે વ્યવસ્થા કરવી એ અમારી ફરજ સમાન છે. બાંગ્લાદેશ સરકારે પણ કહી દીધું છે કે જેટલા પણ હવે નવા રોહિંગ્યા આવશે તેમની નોંધણી કરવામાં આવશે અને તેમના ફિંગરપ્રિન્ટ જેવા પુરાવા લઈ પરિજનોની માહિતી પણ રેકોર્ડ રાખવામાં આવશે. બાંગ્લાદેશની સંસદે સોમવારે ખરડો પસાર કર્યો હતો અને કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે મ્યાનમારની સરકાર પર જોરદાર દબાણ કરવાની જરૂર છે અને આ માનવીય કટોકટીને વહેલી તકે અંત લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. અત્યાર સુધી લગભગ ૩૭૦૦૦૦ રોહિંગ્યા બીજા દેશોમાં શરણ લઈ ચૂક્યા છે અને તેઓ દરબદર ભટકી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લે ૨૫ ઓગસ્ટથી રોહિંગ્યા મુસ્લિમો હિંસાનો સામનો કરી રહ્યાં છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર પણ આકરી ચિંતા વ્યક્ત કરી ચૂક્યો છે.
ઈસ્લામિક રિપબ્લિક ઈરાનના વડા આયતુલ્લાહ ખામેનાઈએ ઈસ્લામિક સત્તાઓ પર દબાણ કરવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે મ્યાનમારની સરકાર પર રાજકીય અને આર્થિક દબાણ લાદવું જોઈએ જેથી મ્યાનમારની સરકાર અને સેના રોહિંગ્યા મુસ્લિમો પર દમન ગુજારવાનું બંધ કરે. આ મામલે વ્હાઈટ હાઉસ અમેરિકાએ પણ કહ્યું હતું કે અમે મ્યાનમારની સરકારને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા દબાણ કરીશું અને હિંસા અટકાવવાનો પ્રયાસ કરીશું. તેમણે કહ્યું કે આવી રીતે નાગરિકો વિસ્થાપિત થવા એ ખરેખર દુઃખદ છે.