જાણીતા પત્રકાર અને સામાજિક કાર્યકર ગૌરી લંકેશની બેંગ્લુરૂમાં ગોળી મારીને હત્યા કરી દેવાતા દેશભરના પત્રકારોએ આ હત્યાને વખોડીને ભારે વિરોધ કર્યો છે. ત્યારે ગુજરાતના પત્રકારો અને સ્વૈચ્છિક સંગઠનના કર્મશીલોએ પણ ગૌરી લંકેશની હત્યાને વખોડી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સાબરમતી ગાંધીઆશ્રમ ખાતે કર્યો હતો. જેમાં બેનરો સાથે મોઢા ઉપર કાળીપટ્ટી બાંધી લોકશાહી ઢબે વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાત મીડિયા કલબ, ઓલ ઈન્ડિયા ડીએસઓ સહિતના સ્વૈચ્છિક સંગઠનોના કર્મશીલો અને પત્રકારોએ મોટી સંખ્યામાં હાજર રહી ગૌરી લંકેશને શ્રદ્ધાંજલિ અર્પી તેમની હત્યા આરોપીઓની કડક સજા કરવાની માંગ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી દેશમાં લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકારો ઉપર હુમલાના બનાવો વધી રહ્યા છે. સરકારની વિરૂદ્ધમાં લખનારા પત્રકારો ઉપર જ આવા હુમલા થતાં હોય છે. સરકાર અને પ્રજા સુધી સત્ય પહોંચાડવાની પત્રકારની ફરજ હોય છે. ત્યારે સરકારની ચાપલૂસી કરવાને બદલે સત્ય રજૂ કરતાં પત્રકારો ઉપર થતાં હુમલા અને હત્યાએ લોકશાહીના ખૂન બરાબર છે.