National

જેટ એરવેઝને ‘નાદારી’થી બચાવવા મોદી સરકારે જાહેર ક્ષેત્રની બેંકો પાસે મદદ માંગી

(એજન્સી) તા.૧૯
કેન્દ્ર સરકારે સરકારી બેંકોને કહ્યું છે કે, તે ખાનગી એરલાઈન્સ જેટ એરવેઝને ફડચામાં જતી બચાવે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નથી ઈચ્છતા કે, સામાન્ય ચૂંટણી પહેલાં હજારો લોકો નોકરી ગુમાવે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી નાણા મંત્રાલય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્ત્વમાં બેંકો પાસેથી જેટ એરવેઝની નાણાકીય સ્થિતિ વિશે માહિતી મેળવી રહ્યો છે. વહીવટી તંત્ર સાથે સંકળાયેલા બે લોકોએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાથી બેંકો જેટ એરવેઝને નાણાકીય સંકટમાંથી ઉગારવાની યોજનાઓ વિશે અઠવાડિક અહેવાલ આપી રહી છે અને સાથે સાથે સરકારની સલાહ પણ મેળવી રહી છે. જેટ એરવેઝને લોન આપનારી એક બેંકના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “નાણા મંત્રાલયના ટોચના અધિકારીઓ નિયમિત રીતે આ બાબતમાં અપડેટ મેળવી રહ્યા છે.” સરકારે જાહેર ક્ષેત્રની બેંકોને વિનંતી કરી છે કે, તેઓ જેટના દેવાને ઈક્વિટીમાં રૂપાંતર કરી તેટલો હિસ્સો ખરીદી લેવો જોઈએ. એક ખાનગી ક્ષેત્રની એરલાઈન્સે નાદારીથી બચાવવા માટે કરદાતાઓના પૈસાનો ઉપયોગ કરવાનો સરકારનો આ નિર્ણય ખૂબ જ ભયાનક છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અસ્થાયી હશે એકવાર જેટ એરવેઝ નાણાકીય સંકટમાંથી બહાર નીકળી જાય, ત્યારે લેણદાર બેંકો તેમનો હિસ્સો વેચી શકશે.

સરકારે જેટ એરવેઝના મુદ્દે તાત્કાલિક બેઠક બોલાવી

નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશપ્રભુએ મંગળવારે મંત્રાલયના સચિવને નિર્દેશ આપ્યા હતા કે દેવા નીચે દબાયેલી જેટ એરવેઝને બચાવવા માટે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવે. રોકડની અછતના કારણે આ ખાનગી એરલાઈન્સે સંખ્યાબંધ ઓપરેશન રદ કરતાં સરકાર ચિંતામાં મૂકાઈ છે. પ્રભુએ ટ્‌વીટ કરીને કહ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ જેટ એરવેઝ દ્વારા ફ્લાઈટ બંધ કરવાની બાબત પર તાત્કાલિક બેઠક બોલાવે. આ બેઠકમાં એડવાન્સ બુકિંગ, કેન્સલેશન, રિફંડ અને સલામતીના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે. ઉડ્ડયન મંત્રીએ આ પણ કહ્યું હતું કે નાગરિક ઉડ્ડયન સચિવ ડી.જી.સી.એ. પાસેથી જેટ એરવેઝની માન્યતા વિશેનો રિપોર્ટ તાત્કાલિક મેળવી લે.

જેટ એરવેઝ : ઓપરેશન માટે ફકત ૪૧ વિમાનો ઉપલબ્ધ,ડી.જી.સી.એ. એ કહ્યું સંકટ વધી શકે છે

(એજન્સી) તા.૧૯
ખાનગી ક્ષેત્રની અગ્રણી એરલાઈન્સ જેટ એરવેઝને નાદારી જાહેર કરતી રોકવા માટે સરકારે મંગળવારે તાત્કાલિક બેઠક બોલાવી હતી. આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી જેટ એરવેઝ લેણદારોના પૈસા ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે તેણે સંખ્યાબંધ વિમાનો બંધ કરી દીધા છે. રૂપિયાની નબળી સ્થિતિ, વધી રહેલા ઈંધણના ભાવો અને હરિફાઈ જેટના આર્થિક સંકટના મુખ્ય કારણો છે. અહીં આ સમગ્ર બાબત ૧૦ મુદ્દામાં સમજાવવામાં આવ્યા છે.
(૧) નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ મંગળવારે સવારે ટિ્‌વટ કરી ડીજીસીએ પાસેથી જેટ એરવેઝની માન્યતા વિશે અહેવાલ મંગાવ્યો હતો. તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવને આ મુદ્દા પર તાત્કાલિક બેઠક બોલાવવાના નિર્દેશ આપ્યા હતા.
(ર) એવા અહેવાલો પણ છે કે, સરકારે જાહેરક્ષેત્રની બેંકોને જેટ એરવેઝને નાદારીથી બચાવવા કહ્યું છે.
(૩) ડીજીસીએને મોકલવામાં આવેલા એક ચેતવણી સમાનપત્રમાં જેટ એરવેઝ એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ એન્જિનિયર એસોસિએશને કહ્યું હતું કે, નાણાકીય જરૂરિયાતો કારણે કર્મચારીઓ પર માનસિક અસર પડી છે. જેના કારણે સલામતીનું જોખમ ઊભું થયું છે.
(૪) ડીજીસીએના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “આ એક ગતિશીલ પરિસ્થિતિ છે. આગામી અઠવાડિયામાં આ સંકટ વધી શકે છે. (પ) જેટ એરવેઝ પર ૧ બિલિયન યુએસ ડોલર કરતા પણ વધારે દેવું છે. આ એરલાઈન્સ સમયસર ચુકવણી કરવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે હાલમાં એરલાઈન્સ પાસે ૪૧ વિમાનો ઉપલબ્ધ છે.
(૬) સોમવારે એરલાઈન્સના પાયલોટોને લખેલા એક પત્રમાં કંપનીના સ્થાપક નરેશ ગોયલે આર્થિક સંકટ દૂર કરવા તેમને થોડો વધુ સમય આપવાની વિનંતી કરી હતી.
(૭) રપ વર્ષ પહેલાં જેટ એરવેઝની શરૂઆત કરી તેને ભારતની અગ્રણી એરલાઈન્સ બનાવનાર નરેશ ગોયલે કહ્યું હતું કે, કંપનીને બચાવવા માટે ઈતિહાદ એરલાઈન્સ સાથે મંત્રણા ચાલી રહી છે.
(૮) શ્રી ગોયલે કહ્યું હતું કે, “તે વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરી એરલાઈન્સમાં જરૂરી સ્થિરતા લાવવા માટે પ્રતિબદ્ધ છે.
(૯) મંગળવારે એરલાઈન્સે કહ્યું હતું કે, આર્થિક કટોકટીના કારણે તેણે વધુ ૪ વિમાનો બંધ કર્યા છે.
(૧૦) મંગળવારે બીએસઈ પર જેટ એરવેઝનો શેર પ ટકા ઘટીને રૂા.રરપ.૧૦ સુધી પહોંચી ગયો હતો. આ વર્ષે જેટના શેરમાં ૧૯ ટકાનો ઘટાડો થયો છે.